ગાંધીનગરનાં અડાલજ – ઝૂંડાલ કેનાલ તરફ સર્વિસ રોડ પર એકલતાનો લાભ ઉઠાવી રીક્ષા ચાલકને આંતરીને બે લૂંટારૃઓએ ધોકા વડે માર મારી છાતી – પેટના ભાગે ચપ્પાનાં ઘા ઝીંકી ૫૪ હજાર રોકડા, મોબાઈલ ફોન લુંટી લીધો હતો. જાેકે ઝપાઝપી દરમ્યાન એક લૂંટારુનો મોબાઇલ ફોન હાથમાં આવી જતાં મોકો મળતાં જ રીક્ષા ચાલકે નજીકના ગોડાઉનમાં દોડી જઈ પોતાનો જીવ બચાવી લીધો હતો. આ મામલે અડાલજ પોલીસે રિક્ષામાં આવેલા બે લૂંટારૃઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના મોટેરામાં રહેતો ૨૭ વર્ષીય કેશવ ઉર્ફે કેશલ માતાદીન મોહરમન તામરે કલર કામનો પણ ધંધો કરી કુટુંબી ભાઈઓ સાથે રહે છે. ગત તા. ૧૯ મી સપ્ટેમ્બરનાં રોજ સવારના કેશવ રીક્ષામાં વિસત સાબરમતીથી મજૂરને લઇ વડસર એરફોર્સ સ્કુલમાં કલરકામ માટે ગયો હતો. અને સાંજના કામ પતાવી મજૂર આકાશ રાઠોડને ચાંદખેડા ગાંઠીયા રથ ખાતે ઉતારી ત્યાંથી અન્ય પેસેન્જર બેસાડી અડાલજ ગામ ગયો હતો.
જ્યાં પેસેન્જરને ઉતારી કેશવ રીક્ષા લઈ અડાલજ ગામમાંથી અંદરના રસ્તે થઇ નર્મદા કેનાલના સર્વીસ રોડ ઉપર થઇ ગુંડાલથી મોટેરા જવા માટે નિકળેલ હતો. તે વખતે વચ્ચે ઝુંડાલ બ્રીજ પાસે એક રીક્ષા ચાલકે તેની રીક્ષાની આગળ પોતાની રીક્ષા ઉભી કરેલી હતી. જેથી કેશવે રીક્ષા ઉભી રાખતા રિક્ષામાં બેઠેલા બે લૂંટારુ હાથમાં ધોકો – ચપ્પુ લઈ તેની પાસે પહોંચી જઈ કહેવા લાગેલ કે તારી પાસે જે હોય તે આપી દે, નહીતર માર મારીશુ.
આથી કેશવે લૂંટારૃઓની વાત નહીં માનતા એક લૂંટારુએ તેને રીક્ષામાંથી બહાર ખેંચી ધોકા વાળી કરી મોબાઇલ તેમજ શેઠે આપેલ કલર કામના રૂપીયા ૫૦ હજાર પેન્ટનાં ખિસ્સામાંથી કાઢી લીધા હતા. આ ઉપરાંત બીજા ૪ હજાર પણ લુંટી લીધા હતા. બાદમાં બંને લૂંટારુ અન્ય કઈ ચીજ હોય એ આપી દેવાની સૂચના આપી હતી. જે અંગે ના પાડતા જ એક લૂંટારુએ કેશવને છાતી અને પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. જેથી લોહી નીકળવા લાગતા કેશવે પોતાનો જીવ બચાવવા માટે હુમલાખોર લૂંટારુને પકડી લીધો હતો.
જેનાં કારણે બંને વચ્ચે ઝપાઝપી થતાં લૂંટારૃએ કેશવનાં પેટનાં ભાગે ચપ્પાનાં ત્રણ ચાર ઘા મારી દીધા હતા. આ દરમ્યાન લૂંટારુનો મોબાઇલ ફોન જમીન ઉપર પડી જતાં કેશવનાં હાથમાં આવી ગયો હતો. અને મોકો મળતાં જ પોતાની રીક્ષા ત્યાં જ રહેવા દઈને કેશવ દોટ મૂકીને નજીકના ફર્નિચરનાં ગોડાઉનમાં જતો રહ્યો હતો. બાદમાં ગોડાઉન વાળા ભાઈને સઘળી હકીકત વર્ણવી તેણે પોતાના ભાઈ સહિતના લોકોને બોલાવી લીધા હતા. જેને ગંભીર હાલતમાં એસએમએસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતાં જ અડાલજ પોલીસ તાબડતોબ સ્થળ ઉપર દોડી ગઈ હતી. અને રિક્ષામાં આવેલા લૂંટારુઓની આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. બાદમાં કેશવની ફરીયાદના આધારે લૂંટનો ગુનો નોંધી મળી આવેલ મોબાઇલ ફોનના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જેનાં પગલે નજીકના દિવસમાં લૂંટારૃઓ હાથમાં આવી જવાની શકયતા વર્તાઈ રહી છે.