ગઈકાલે સાંજે 7:00 વાગે અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું આગમન અને બોડકદેવની ITC નર્મદા હોટલ ખાતે રોકાણ
આજે ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ આવશે, ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં એર શો યોજાશે,પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફ પણ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર હશે : શનિવારે અમદાવાદમાં આઈસીસી એક્ઝિક્યુટિવ બોર્ડ (ઈબી)ની બેઠક યોજાશે
ગાયક પ્રિતમ અને ગાયિકા જોનીતા ગાંધી સહિત ટીમ ફાઇનલ મેચમાં ગીતો દ્વારા પરફોર્મ્સ કરશે,
અમદાવાદ
ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે. ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી બીજી ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે ત્યારે ફાઇનલ મેચ 19 ની નવેમ્બરને રવિવારના રોજ ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેદાન પર રમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેદાનની પીચ પર ભારત સાથે ફાઈનલ મેચ રમી રહેલી ટીમની મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે તેવી સંભાવના છે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે વહીવટી તંત્ર આને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.ભારતીય ક્રિકેટ ટીમ ગઈકાલે અમદાવાદમાં પધારી છે. ભારતીય ક્રિકેટ ટીમ બોડકદેવ ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કર્યું છે.હોટલમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે.જ્યારે આજે ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ આવશે અને આશ્રમરોડની હયાત હોટલમાં રોકાણ કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં એર શો યોજવામાં આવશે. આ એર શો માટે ગુરુવારે રિહર્સલ યોજાયું હતું. વર્લ્ડ કપના આ મહામુકાબલા દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એર શો યોજાવાનો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ યોજાયું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વિમાન રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. જોકે, હાલ એર શો માટેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો કરતબ બતાવશે. વિશેષ 4 વિમાન સ્ટેડિયમ પરથી ઉડાન ભરશે.
19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે જેમાં પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફ પણ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર હશે.આઈસીસી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં પણ ભાગ લેશે.પીસીબી ચીફ ઝકા અશરફ આ મેચ પહેલા શનિવારે અમદાવાદમાં યોજાનારી આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ) એક્ઝિક્યુટિવ બોર્ડ (ઈબી)ની બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચી ગયા છે. ઝકા અશરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન નાસિર સાથે અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. ઝકા અશરફ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ જોશે.આઈસીસી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં વર્લ્ડ કપના આયોજન, સ્પર્ધામાંથી આવકની વસૂલાત અને દર્શકોની હાજરીની સમીક્ષા કરવામાં આવશે. પીસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું હતું કે 50 ઓવરની ક્રિકેટના ભવિષ્ય અને 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગે પણ આઈસીસી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ફાઇનલ મેચના દિવસે લગભગ એક ઇનિંગ્સ પૂરી થયા બાદ બ્રેકમાં ગાયક પ્રીતમ અને ગાયિકા જોનીતા ગાંધી સહિત પાંચ લોકો ગીત ગાશે અને દર્શકોનો ઉમંગ ઉત્સાહ વધારશે.
રાશિ અને જ્યોતિષ અનુસાર ફાઈનલના દિવસે ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવનના ખેલાડીનું રાશિફળ કેવું રહેશે
રાશિ અને જ્યોતિષ અનુસાર ફાઈનલના દિવસે ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવનના ખેલાડીનું રાશિફળ કેવું રહેશે.રવિવારે રાશિ અનુસાર, કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ક્યા બેટ્સમેનનું નસીબ સાથ આપી શકે છે અને કોણ બોલર વિપક્ષી ટીમની સૌથી વધારે વિકેટ લઈ શકે છે.
રોહિત શર્મા- ટીમ ઈંડિયાના કપ્તાન અને હિટમેન રોહિત શર્માની ચંદ્ર રાશિ તુલા છે. ગણેશાસ્પીક્સ અનુસાર, રવિવારનો દિવસ તુલા રાશિવાળા માટે વધારે સંવેદનશીલ અને વિચારોના વમળથી ભરાયેલો હોય છે. સાવધાનીપૂર્વક વ્યવબાર કરવાની જરુર છે. મન થોડું વિચલિત રહી શકે છે.
શુભમન ગિલ-ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની ચંદ્રરાશિ કુંભ છે. રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે થોડો મુશ્કેલીભર્યો રહી શકે છે. ક્રોધને કાબુમાં રાખવો પડશે. જો કે, કુંભ શનિની રાશિ છે અને આ રાશિના લોકો બળવાન રહેશે. તે વિરોધીઓને હંફાવી શકે છે.
વિરાટ કોહલી-ક્રિકેટના કિંગ કોહલીની ચંદ્ર રાશિ વૃષ છે. રવિવારે વૃષ રાશિવાળા માટે અનુકૂળ સંયોગ બનશે. કાર્યભાર વધી શકે છે અને દિવસ મધ્યમ રહેશે. આ રાશિના લોકોને કામમાં સફળતા મળી શકે છે અને તેમની ઈચ્છા પુરી થઈ શકે છે.
શ્રેયસ અય્યર- શાનદાર બેટ્સમેન શ્રેયસ અય્યરની ચંદ્ર રાશિ કુંભ છે. રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે થોડો મુશ્કેલભર્યો હોય શકે છે. ક્રોધને કાબુમાં રાખવો પડશે. જો કે કુંભ શનિની રાશિ છે અને આ રાશિના લોકો બળવાર રહેશે. તે વિરોધીઓને હરાવી શકે છે.
કેએલ રાહુલ- વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની રાશિ મિથુન છે. રવિવારનો દિવસ મિથુન રાશિવાળા માટે મુશ્કેલભર્યો બની શકે છે. ત્યારે આવા સમયે ક્રોધની ભાવનાને કાબુમાં રાખવાની જરુર છે. કુંભ રાશિના લોકો માનસિક બેચેનીનો અનુભવ કરશે. સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. ઈશ્વરની પ્રાર્થનાથી રાહત અનુભવ થશે.
સૂર્યકુમાર યાદવ- વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ચંદ્ર રાશિ પણ શ્રેયસ અય્યરની માફક કુંભની છે. હવે કેમ કે ગણેશાસ્પીક્સ અનુસાર, રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે થોડો મુશ્કેલ ભર્યો હોય શકે છે. જો કે, કુંભ શનિની રાશિ છે અને રાશિના લોકો બળવાન રહેશે. મોકાનો લાભ ઉઠાવતા આ રાશિના જનવિજય પ્રાપ્ત કરી શકે છે.
રવીન્દ્ર જાડેજા- શાનદાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ચંદ્ર રાશિ તુલા છે. રવિવારનો દિવસ તુલા રાશિના લોકો માટે વધારે સંવેદનશીલ અને વિચારોના વમળથી ભર્યો રહેશે. સાવધાનીપૂર્વક વ્યવહાર કરવાની જરુર છે. મન થોડું વિચલિત રહી શકે છે.
કુલદીપ યાદવ- શાનદાર સ્પિન બોલર કુલદીપ યાદવની ચંદ્ર રાશિ મિથુન છે. હવે કેમ કે તેની અને કેએલ રાહુલની નામરાશિ એક જ છે એટલે મિથુન, એટલે રવિવારનો દિવસ તેના માટે થોડો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સારુ રહેશે કે, ગુસ્સા પર કાબુ રાખે. સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. ઈશ્વરની પ્રાર્થનાથી રાહુત અનુભવ કરશો.
મોહમ્મદ સિરાજ- ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ચંદ્ર રાશિ સિંહ છે. રવિવારનો દિવસ સિંહ રાશિવાળા માટે હર્ષોલ્લાસથી ભર્યો રહેશે. આવા લોકો આનંદપૂર્વક સમય વિતાવશે. શારીરિક સ્વાસ્થ્ય સારુ રહેશે. યશ, કીર્તિ અને આનંદની પ્રાપ્તિ થશે. વિરોધીઓનો પરાજય થશે.
મોહમ્મદ શમી- ટીમ ઈંડિયાના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીની ચંદ્ર રાશિ પણ મોહમ્મદ સિરાજની માફક સિંહ છે. ત્યારે આવા સમયે તેના માટે પણ એસ્ટ્રોલોજીના હિસાબથી એવું કહી શકાય છે કે, તેનો દિવસ પણ હર્ષોલ્લાસથી ભર્યો રહી શકે છે. ફિઝિકલ હેલ્થ શાનદાર રહેશે અને આ દિવસ લોકપ્રિયતા અપાવી શકે છે.
જસપ્રીત બુમરાહ- શાનદાર બોલરની યાદીમાં સામેલ બુમરાહની ચંદ્ર રાશિ મકર છે. રવિવારનો દિવસ મકર રાશિવાળા માટે લકી રહેશે. તેને નિર્ધારિત કામમાં સફળતા મળશે. પોતાની ફિલ્ડમાં આવા લોકોનું વર્ચસ્વ વધશે. માનસિક સ્વાસ્થ્ય બની રહેશે. ઉત્તર ભોજન અને વસ્ત્રાભૂષણ મળશે. સુખ-સંતોષનો અનુભવ થશે.
રાજસ્થાનના ચિતોડગઢના શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ ડો. મૃત્યુંજય તિવારીના જણાવ્યા અનુસાર, રવિવાર એટલે કે 19 નવેમ્બરનો દિવસ સૂર્ય અને શનિની રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. જ્યોતિષ ગણતરી અનુસાર, સૂર્યની રાશિ સિંહ અને શનિની રાશિ મકર તથા કુંભ છે. આ 3 રાશિના લોકો રવિવારે બળવાન રહેશે અને પોતાના વિરોધીઓને ધૂળ ચટાડી શકે છે.
મોદી સ્ટેડિયમની આસપાસ અને તમામ રૂટ, પાર્કિગ પ્લોટ અને મોબાઈટ ટોયલેટ સહિતની જગ્યાઓ પર ખાસ સફાઈ કરવામાં આવશે
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને એએમસી દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અને તમામ રૂટ, પાર્કિગ પ્લોટ અને મોબાઈટ ટોયલેટ સહિતની જગ્યાઓ પર ખાસ સફાઈ કરવામાં આવશે. તા.17 થી 20 નવેમ્બર સુધી ચાર ઝોનમાંથી 25 સફાઈ કામદારો મળી 100 જેટલા સફાઈ કામદારોની ટીમમાં કામગીરી કરશે.મેચ પૂર્ણ થયા બાદ પણ રાતે 1 વાગ્યાથી ખાસ રાત્રિ સફાઈ કરવામાં આવશે. સ્ટેડિયમના રૂટ અને આસપાસના વિસ્તારમાંથી જો કોઈ ખાણીપીણીની દુકાન કે હોટેલ્સ દ્વારા બહાર રોડ ઉપર કચરો ફેંક્યો હોય તો તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે. આ વિસ્તારમાંથી દર બે કલાકે કચરો ઉપાડી લેવામાં આવશે.અને સફાઈ કામના નિરીક્ષણ માટે ખાસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાઈનલ મેચને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય તેમજ રૂટ ઉપર તમામ પ્રકારની ખામી ના રહે તેને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ અને હોટલની આસપાસના વીઆઈપી, વીવીઆઈપી રસ્તાઓની સાફ- સફાઈ કરાશે. જેનું રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. સ્ટેડિયમના રૂટમાં આવતા તમામ રસ્તાઓનો ડીવાઈડરો અને ફૂટપાથ સાઈડની મિકેનાઇઝ્ડ સ્વીપર મશીનથી સ્વચ્છ કરી માટી દૂર કરાવવા, ઝોનના એસ્ટેટ વિભાગને સાથે રાખી મુખ્ય માર્ગો પરના પાર્કિંગ દૂર કરાવી તેવી જગ્યાઓને સફાઈ કરી સ્વચ્છ રાખવા સુચના આપવામાં આવી છે.સૂત્રોએ ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતાં તમામ રસ્તાઓ પર પડેલા ડેબ્રીસ-ગ્રીન વેસ્ટ કે કચરાના ઢગલા પડી ન રહે તે માટે વાહનોને રાઉન્ડ ધી ક્લોક ફરતા રાખવામાં આવશે. સફાઈ કામદારો દ્વારા મેન્યુઅલ સફાઈ કામગીરી રીફ્લેક્ટર જેકેટ પહેરીને જ કરવામાં આવે તેમજ ફાળવવામાં આવેલી ઈ-રિક્ષા સતત ફરતી રાખી જાહેર માર્ગો ઉપર જો કોઈ લિટરિંગ થાય અને ડીવાઇડર, ફૂટપાથ પર એંઠવાડ, ફૂડ વેસ્ટ અથવા અન્ય વેસ્ટ જણાઈ આવે તો તે તાત્કાલીક ઉપડાવી લેવા સુચના આપવામાં આવી છે. તમામ વીઆઈપી, વીવીઆઈપી રસ્તાઓ તથા સ્ટેડિયમની આસપાસના તમામ માર્ગો પર જે કોઈ જંગલી ઘાસ કે અન્ય બિનજરૂરી વેજીટેશન ઉગેલ હોય, ગાર્ડન વેસ્ટ વગેરેનો નિકાલ કરાવવામાં આવી રહ્યો છે. પાર્કિંગ પ્લોટોમાં પણ ધૂળ કે માટી ઉડે નહીં તે માટે ટેન્કરોથી પાણીના છંટકાવની કામગીરી કરાવવામાં આવશે.
રોહિતની કેપ્ટનશિપમાં ત્રીજી વાર ચેમ્પિયન બનવાની સુવર્ણ તક
ભારત ત્રીજી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ભારત 1983 અને 2003 અને 2011માં વર્લ્ડકપની ફાઇનલમાં પહોચ્યું હતું. ભારત પ્રથમવાર 1983માં ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ 2011માં ધોનીની કેપ્ટનશિપમાં ફરી એકવાર ચેમ્પિયન બન્યું હતું. ત્યારે હવે રોહિતની કેપ્ટનશિપમાં ત્રીજી વાર ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે.
ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન
વન ડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 1987, 1999, 2003, 2007 અને 2015 મળી કુલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે ભારત 1983 અને 2011 એમ બે વાર ટાઈટલ જીત્યું છે.