ગાંધીનગર પથીકાશ્રમ નજીક બસ સ્ટેન્ડ પાસેથી અલગ અલગ સ્કૂલ બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડીલીવરી કરવા આવેલા ત્રણ રાજસ્થાની ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી કુલ રૂ. 33 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી પરમારની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન પથીકાશ્રમ નજીક આવતાં બાતમી મળી હતી કે, રાજસ્થાનથી કેટલાક ઇસમો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લઇ બસ મારફતે ગાંધીનગર ખાતે આવ્યા છે. જેનાં પગલે એલસીબીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ પાછળના દરવાજા થઇ અંદર બસ સ્ટેન્ડમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી કેન્ટીનની સામે ઓટલા ઉપર બેઠેલા ત્રણ ઇસમોને અલગ અલગ સ્કૂલ બેગ સાથે ઝડપી લીધા હતા.
બાદમાં અલગ અલગ સ્કૂલ બેગની તલાશી લેતાં અંદરથી 26 હજાર 840 રૂપિયાની કિંમતની કુલ. 36 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ત્રણેય ઇસમો પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ લોકેશ વજારામ મીણા (રહે. ગામ ડેલવાસ, રજાલ ફળીયુ, તા.સાડા, સિલુમ્બર રાજસ્થાન), રાજુ મંછારામ મીણા( રહે. ગામ બારા, નલીયા ફળીયુ. તા.ગીરવા, જિ.ઉદેપુર રાજસ્થાન) તેમજ રાજકુમાર અશોકકુમાર મીણા ( રહે. ગામ પોગરા કલા,ડામોર ફળીયુ, તા,ભેવાડા, જિ, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
આ અંગે એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉદેપુર ખાતેથી આશિષ મીણાએ (રહે. દેલવાસ, ઉદેપુર રાજસ્થાન) ત્રણેયને વિદેશી દારૂનો અલગ અલગ સ્કૂલ બેગમાં ભરી આપ્યો હતો. જેણે ત્રણેયને ગાંધીનગર બસ સ્ટેન્ડ કેન્ટીન સામે બેસવાનું કહ્યું હતું. અહીંથી તેના સંપર્ક વાળો ઈસમ વિદેશી દારૂનો જથ્થો ડીલીવરી લેવા માટે આવવાનો હતો. ત્રણેય ઈસમો પાસેથી વિદેશી દારૂનો જથ્થો, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રકમ મળીને કુલ રૂ. 33 હજાર 540 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.