ચાંદલોડિયા વોર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો અને લાભો લોકો સુધી પહોંચાડવામાં આવ્યાં
આરોગ્ય મેળા અંતર્ગત હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટી.બી.જેવા રોગો માટે અંદાજીત ૨૧૦ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી
અમદાવાદ
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા છેવાડાના, નબળા વર્ગના તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા માટે માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દરેક વોર્ડમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકારશ્રીની ૧૭ જેટલી યોજનાઓ અંગે પ્રચાર પ્રસાર તથા લાભાર્થીઓને લાભ આપવાની કામગીરી કરવામાં આવે છે.
સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચાંદલોડિયા વોર્ડ ઓફિસ પાસે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અંદાજીત ૬૫૦ જેટલા નગરજનોને વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવવામાં આવ્યા હતા. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ યોજનાઓના લાભ વિશે તેમના અનુભવો જણાવ્યા હતી. આ ઉપરાંત, કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૧૦ જેટલા લોકોની હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટી.બી.જેવા રોગો માટે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), પી.એમ.ઉજ્જ્વલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન (અર્બન) જેવી વિવિધ યોજનાઓના લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ચાંદલોડિયા વોર્ડના તમામ કાઉન્સીલરશ્રીઓ, અન્ય ઝોન/વોર્ડના કાઉન્સીલરશ્રીઓ, અ.મ્યુ.કો. ઉત્તર પશ્ચિમ ઝોનના માન. ડે.મ્યુનિ. કમિશનરશ્રી, આસી. મ્યુનિ. કમિશનરશ્રીઓ તેમજ અ.મ્યુ.કો.ના જુદાજુદા વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.