વિશ્વની સૌથી ઉત્તમ અને સૌથી મોટી ટપાલ સેવા ભારતની કોંગ્રેસની સરકારમાં બની
• નવા કાયદાથી નાગરિકોના “રાઈટ ટુ પ્રાઈવસી” મૂળભૂત અધિકારનો ભંગ.
• સ્પોર્ટ્સ ક્વોટાની જગ્યાઓ ખાલી.
• યુવાનો બેરોજગાર છતાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખાલી જગ્યાઓ ભરાતી નથી.
નવી દિલ્હી
સંસદ(રાજ્યસભા)માં પોસ્ટ ઓફિસ બિલ ૨૦૨૩ની ચર્ચામાં ભાગ લેતા શક્તિસિંહ ગોહિલે ટપાલ સેવાને લગતી અનેક બાબતો ઉજાગર કરી હતી. ટપાલ સેવા દેશના સામાન્ય નાગરિક માટે અતિ મહત્વની છે. આજે ભાજપની સરકારના સમયમાં આ સેવાઓ નબળી પડતી જઈ રહી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્વોટાની જગ્યાઓ ભરવામાં આવતી નથી. એક તરફ અનેક યુવાનો બેરોજગાર છે અને બીજી તરફ પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં અનેક જગ્યાઓ ખાલી છે.અંગ્રેજોએ પોતાની જરૂરિયાત અને વ્યાપારિક હિતો માટે ટપાલ સેવા શરૂ કરેલ હતી પરંતુ આઝાદી બાદ કોંગ્રેસની સરકારોએ દેશના નાગરિકોની જરૂરિયાત પૂર્ણ થઈ શકે તે રીતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટને મજબૂત બનાવીને દેશના દરેક ખૂણે ખૂણે ટપાલ સેવા ઉપલબ્ધ કરાવી. કોંગ્રેસ સરકારોના આ પ્રયત્નોના કારણે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઉત્તમ ટપાલ સેવા ભારતની બની છે. ભાજપને કટાક્ષ કરતાં શ્રી શક્તિસિંહે જણાવ્યું હતું કે, કેટલાક નકલી ડીગ્રીવાળા વોટ્સએપ યુનિવર્સિટીના લોકો કહે છે કે ૭૦ વર્ષમાં કોંગ્રેસ પક્ષે શું કર્યું ? તો તેનો જવાબ ભારતની પોસ્ટલ સેવા દુનિયાની સૌથી મોટી અને ઉત્તમ બનાવી તે છે.નવા કાયદાથી ટપાલ સેવામાં અધિકારીઓને કોઈપણ આર્ટીકલ ખોલવા અંગેનો પ્રબંધ યોગ્ય નથી. સુરક્ષા માટે કે અન્ય કારણ જે કાયદામાં બતાવ્યા છે તેની સ્પષ્ટતા યોગ્ય નથી. અધિકારીની કક્ષા પણ દર્શાવી નથી. આમ નાગરિકના પોતાની પ્રાઈવસીના મૂળભૂત અધિકારની વિરુદ્ધ જોગવાઈ છે જેનો વિરોધ શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ હતો.પોસ્ટલ સેવામાં અન્ય સેવા સરકાર જોડી શકશે તેવી જોગવાઈ છે, પરંતુ આ કઈ સેવાઓ તેની સ્પષ્ટતા કાયદામાં નથી તે યોગ્ય નથી.ગામડાઓમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં અનેક જગ્યાઓ ખાલી છે તે તુરંત ભરવી જોઈએ અને સ્થાનિકને અગ્રીમતા આપવી જોઈએ તેવી માંગણી પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.