ગાંધીનગરના કુડાસણમાં રહેતા વયોવૃદ્ધ ડોક્ટરને કુવૈત એરલાઈન્સ કાર્ગોનાં નામે ફોન કરી ગઠિયાઓએ વિશ્વાસ કેળવી બેંકની ડિટેઇલ્સ અને ઓટીપી મેળવી બારોબાર તબક્કાવાર 7 લાખની રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવતાં સાયબર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગરના કુડાસણમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ દહેગામ ખાતે દવાખાનું ચલાવતા હતા. અને હાલમાં વય મર્યાદા કારણે નિવૃત જીવન ગુજારે છે. ગત તા.19મી માર્ચના રોજ બપોરના સમયે કુવૈત એરલાઈન્સ કાર્ગોમાં મટીરીયલ મોકલવાનો ભાવતાલ પૂછવા માટે તેમણે ગૂગલમાં સર્ચ કરીને એક મોબાઈલ નંબર મેળવ્યો હતો.
જેનાં ઉપર તેમણે ફોન કરતાં સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી ગૂગલ થકી બીજો નંબર મેળવીને એના ઉપર પણ ફોન કર્યો હતો. જોકે ઉક્ત બે નંબરો પર સંપર્ક નહીં શકતા ડોક્ટરે બીજા બે નંબરો ઉપર પણ ફોન કર્યા હતા. ત્યારે આ વખતે પણ કુવૈત એરલાઈન્સ કાર્ગોનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આખરે ઘણા પ્રયત્નો પછી + 91ની સિરીઝ વાળા એક નંબર ઉપર તેમનો સંપર્ક થતાં સામા વાળા ઈસમ સાથે શાબ્દિક વાતચીત કરી તેમણે કુવૈત એરલાઇન્સ કાર્ગોમાં મટીરીયલ મોકલવા માટેનું ભાવપત્રક મોકલી આપવા માટે કહ્યું હતું. જેનાં પગલે ઈસમે તેમની માહિતી માંગી અપડેટ કરી લિંક મોકલી કહ્યું હતું કે, આના પર લોગીન કરીને બધી વિગતો મેળવી શકશો.
આ દરમ્યાન તેણે ડોકટર પાસેથી તેમના બેંક એકાઉન્ટની ડિટેઇલ્સ પણ મેળવી લીધી હતી. બાદમાં ઈસમે માંગ્યા મુજબ બેંક એપ્લિકેશન ખાતાનો આઈડી પાસવર્ડ પણ આપી દીધો હતો. અને થોડીક સેકંડમાં તેમના મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હતો. જે પણ તેમણે સામા વાળા ઈસમને આપી દીધો હતો. જોકે રહી રહીને ડોકટરને ફ્રોડ જેવું લાગતા તેમણે ફોન કટ કરી આઈડી પાસવર્ડ બદલી નાખ્યો હતો.
બાદમાં બેંકની એપ્લિકેશન ઓપન કરીને બેલેન્સ ચેક કરતાં તબક્કાવાર ખાતામાંથી 7 લાખની માતબર રકમ ડેબિટ થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. આખરે પોતાની સાથે ગઠિયાએ છેતરપિંડી આચરી હોવાનો અહેસાસ થતાં ડોક્ટરે બેંક ખાતું ફ્રીજ કરાવી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી છે.