ગાંધીનગરના શિહોલી ગામની સીમમાં થોડા દિવસ પહેલા આર.સી.સી.ના પાટીયા બનાવનાર કામદારોના રાત્રિ દરમિયાન ચાર્જિંગમાં મૂકેલા ત્રણ મોબાઈલ ચોરી થઈ ગયા હતા. જે બાદ મોબાઈલ વેચવા માટે જતાં દહેગામ પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. આ અંગે ચીલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. મળતી વિગત અનુસાર ગાંધીનગરના શિહોલી ગામની સીમમાં રહેતા વિજયભાઇ દિનેશભાઇ ડાંગી આર.સી.સી. ના પાટીયા બનાવવાનુ કામ કરે છે. ફુઈનો દિકરો રોહીત તથા અશ્વિનભાઈ ભુપતભાઈ ડામોર પણ તેમની સાથે કામ કરે છે. થોડા દિવસ પહેલા વિજયભાઇ, રોહીત લાલાભાઈ મચ્છાર તથા અશ્વિનભાઈ ભુપતભાઈ ડામોર સાથે બીજા મિત્રો જમી જય અંબે પ્રિકાસ્ટ ફેક્ટરી ખાતે બહારના ભાગે આવેલ ખુલ્લી જગ્યામા સુઇ ગયા હતા. બધાએ અમારા સ્માર્ટ ફોન (મોબાઇલ) ચાર્જીંગમા મુકેલ હતા. રાત્રીના એક વાગ્યાના સુમારે તેમની સાથે રહેતા મિત્ર રૂપસિંગભાઈ દાનાભાઇ ડાંગીએ જોતાં બધાએ જે જગ્યાએ મોબાઈલ યાર્જીંગમા મુકેલ હતા તે જગ્યાએ મોબાઇલ ફોન જણાઈ આવેલ નહિ. તેથી આ અંગે રૂપસિંગભાઇ વિજયભાઈને જાણ કરી હતી. ફોનની આજુબાજુમા તથા ફેક્ટરીમાં શોધખોળ કરતા મળી આવેલ નહી. દરમિયાન બીજા દિવસે તેમણે જાણ થઈ હતી કે દહેગામ પોલીસ સ્ટેશનમાં કેટલાક ઇસમો ચોરીના મોબાઇલ સાથે પકડાયેલ છે. તેથી તેઓ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. જે મોબાઇલ ફોન ઓળખી બતાવેલ હતા. તેમ જ મોબાઇલની ચોરી કરનાર રાકેશ વિનુભાઈ ભીખાભાઈ દેવીપુજક ઉ.વ.-૨૨ (રહે-સોલંકીપુરા, કાચા છાપરામાં, દહેગામ, તા.દહેગામ જી.ગાંધીનગર), અનુપસિંહ અજીતસિંહ ભવાનસિંહ પરમાર ઉ.વ.-૨૬ (રહે.- પરમાર વાસ, શીયાવાડા ગામ, તા.દહેગામ) અને વિક્રમસિંહ સોમસિંહ પરમાર ઉ.વ.-૨૦ (રહે.- પરમાર વાસ, શીયાવાડા ગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર) ચોરીના મોબાઈલ વેચવા માટે આવ્યા હતા ત્યારે તેમને ઝડપી લઈ પોલીસે ચીલોડા પોલીસને સોંપ્યા હતા. જે મામલે વિજયભાઇએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.