બોગસ દસ્તાવેજોના આધારે વિઝા આપવાની ચોકકસ બાતમી આધારે સીઆઇડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયનના આદેશ અનુસાર ૧પ વિવિધ ટીમો દ્વારા ઠેર ઠેર થયેલ દરોડા કાર્યવાહી જે કાલે બપોરે ૧ર વાગ્યાથી શરૂ થયેલ જે આજે સવારે પણ હજુ ચાલુ હોવાનું સીઆઇડી સુત્રોએ જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે તાજેતરમાં એક શખ્સ બનાવટી વિઝા સાથે પકડાયા બાદ સીઆઇડી વડા રાજકુમાર પાંડિયનને આ પ્રકરણ ખૂબ ઊંડુ હોવાની શંકા જાગતા સર્વાંગી તપાસમાં શંકા હકીકત હોવાનું જણાતા જ તાકીદે એક મહત્વની બેઠક યોજી આખું ઓપરેશન હાથ ધરવા સીઆઇડી વડાં દ્વારા રણનીતિ ઘડી કાઢી હતી.
સીઆઇડી ક્રાઇમનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર એમ ત્રણ મોટા શહેરમાં આવી કાર્યવાહી દોઢ ડઝનથી વધુ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. ઉકત ત્રણેય શહેરના ઘણા વિઝા કન્સલટન્ટો સકંજામાં આવી ગયા છે. દસ્તાવેજોની ચકાસણી બાદ કોની શું ભૂમિકા છે? અન્ય કોઇ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ અલગથી ધમધમાટ શરૂ થયો છે. સીઆઇડી હેડ કવાર્ટર આખી રાત કાર્યવાહી ચાલી રહેવા સાથે સીઆઇડી વડા રાજકુમાર પાંડિયન પણ સવાર સુધી તમામ ગતિવિધિઓ પર બારીક નજર રાખી હોવાનું પણ પોલીસ ભવનના સૂત્રો જણાવે છે.