પોતાની કાર અથવા પોતાની બાઇક લેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જે લોકો નવી કાર કે બાઇક વસાવી શકતા નથી, તે લોકો સેકન્ડ હેન્ડ કાર અથવા સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવાનું પસંદ કરતા હોય છે. આણંદમાં સેકન્ડ હેન્ડ કાર અને ટુ-વ્હીલરના 100 જેટલા ડીલરો આવેલા છે. જેમાં ઇસ્માઇલ નગર રોડ, 100 ફૂટ રોડ, સામરખા ચોકડી,ચિખોદરા રોડ, ઝાયડર રોડ ઉપર આવેલા બજાર જાણીતા છે.
આણંદના 100 ફૂટ રોડ ઉપર સેકન્ડ હેન્ડ બાઈક ખરીદવા માટેનું એક વિશાળ માર્કેટ આવેલું છે. આ સ્થળે અમદાવાદથી લઈને સુરત સુધીના તમામ ડિલર અહીં સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર લેવા આવતા હોય છે. દર મહિને આ માર્કેટમાં અંદાજીત 60 લાખ રૂપિયાના સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલરનું વેચાણ થતું હોય છે.
હાલ સેકન્ડ હેન્ડ માર્કેટમાં GJ-23 એટલે કે આણંદની નંબર પ્લેટવાળા વાહનોની માંગ ખૂબ જ વધારે છે. આ વાહનો ઓછા કિલોમીટર ચાલેલા, સારી ગુણવત્તાવાળા અને ઓછા સ્ક્રેચ ધરાવતા હોય છે. આ સ્થળે 25 હજારથી લઈને 3 લાખ સુધીના વાહનો મળી રહે છે. અહીં એક ડિલર મહિને 30થી 35 જેટલા સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરનું વેચાણ કરતા હોય છે. આસપાસના ગામડાઓમાંથી લોકો અહીં મોટી સંખ્યામાં સેકન્ડ હેન્ડ બાઇક લેવા આવતા હોય છે. આ ઉપરાંત છોટાઉદેપુર, બરોડા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, બોડેલી, કરજણ, નડિયાદ વગેરે જગ્યાએથી બાઇક લેવા આવે છે.
આણંદના 100 ફૂટ રોડથી લઈ સામરખા સુધીના માર્કેટમાં ખાસ એકસાથે ઘણા બધા ટુ-વ્હીલર જોવા મળે. અહીં હીરો, હોન્ડા, બજાજ, યમાહા, સુઝુકી, TVS વગેરે કંપનીના સેકન્ડ હેન્ડ વ્હીલર મળી રહે છે. વેપારીએ જણાવ્યું હતું કે, હાલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર અને ડિલક્ષ બાઇક તેમજ એક્ટિવાના નવા મોડેલની માંગ વધુ છે. જ્યારે કોઈ ગ્રાહક પોતાનું વાહન વેચવા આવે, ત્યારે વાહન કેટલા કિલોમીટર ચાલેલું છે, એન્જિનની સ્થિતિ, એક્સીડન્ટ થયો છે કે નહીં, ટાયરની હાલત વગેરે નોંધવામાં આવે છે. આ બધી તપાસ થયા બાદ, માર્કેટમાં વાહન મૂકાતું હોય છે.
જ્યારે સેકન્ડમાં કોઈ ગ્રાહકને બાઇક ખરીદવી હોય, તો તેના આઈ.ડી. પ્રુફથી સરળતાથી બાઈક ખરીદી શકે છે. એક્ટિવા 110 ccનો ભાવ 20થી 25 હજાર રાખવામાં આવ્યો છે,જ્યારે શોરૂમમાં આ એક્ટિવાનો ભાવ 75 હજારથી 1 લાખ સુધીનો હોય છે. એવી જ રીતે બાઇકમાં સ્પ્લેન્ડર ડિલક્ષનો સેકેન્ડ હેન્ડનો ભાવ 30 હજાર જેટલો હોય છે, જ્યારે શો રૂમ ભાવ 93 હજાર સુધીનો હોય છે. અહીં બુલેટનો સેકેન્ડ હેન્ડ ભાવ 60થી 80 હજાર સુધીનો હોય છે, જ્યારે શો રૂમ ભાવ 2 લાખ 40 હજાર જેટલો હોય છે. બુલેટનું ક્લાસિક મોડેલ જે 350 થી 500 સીસીનું હોય છે, તેનું વેચાણ સૌથી વધુ થતું હોય છે.