ગાંધીનગર શહેરમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનાવ્યા બાદ પણ હજુ સુધી રખડતા ઢોરની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવ્યું નથી ત્યારે વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. વાઇબ્રન્ટના પગલે હાલમાં શહેરમાં 24 કલાક ઢોર પકડવાની કામગીરી ચાલું રાખવામાં આવી છે.
હાઇકોર્ટના આદેશ અને રાજ્ય સરકારની ગાઇડલાઇન બાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર પર નિયંત્રણ માટે નવી પોલિસી અમલી બનાવી છે પરંતુ આ પોલિસી હજુ સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સુધી સિમિત છે. બીજીતરફ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિવિધ દેશોના વડા, કંપનીઓના સીઇઓ, દેશ- વિદેશના મહાનુભાવો ગાંધીનગરની મુલાકાતે આવનાર છે. આ સમય દરમિયાન મહાત્મા મંદિર ખાતે વિવિધ સેમિનાર ઉપરાંત ગિફ્ટસિટી ખાતે પણ કાર્યક્રમો યોજાશે. સેક્ટર-17ના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે પણ વાઇબ્રન્ટ એક્સ્પો યોજાશે. જેમાં પણ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવશે. આ કાર્યક્રમો અને સતત વીવીઆઇપી મૂવમેન્ટ દરમિયાન રસ્તા પર રખડતા ઢોર આવી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે અત્યારથી જ ઢોર પકડવાની ઝૂંબેશ વેગવાન બનાવી દેવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ 24 કલાક ઢોર પકડવાની ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. દિવસ દરમિયાન બે શિફ્ટમાં બે- બે ટીમો ઢોર પકડવાના સાધનો અને વાહન સાથે તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાત્રિના સમયે એક ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમોને શહેરમાં સતત પેટ્રોલિંગ રાખીને ક્યાંય પણ રખડતું ઢોર દેખાય તો તેને પકડીને ઢોરના ડબ્બામાં પુરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરીનું ઉચ્ચકક્ષાએથી પણ મોનિટરિંગ થઇ રહ્યું છે.
મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યા બાદ જે ગામો સમાવિષ્ટ થયા છે તેમાં પશુપાલકો અને પશુઓની વિગતો કોર્પોરેશન દ્વારા જિલ્લા પંચાયત પાસેથી મંગાવવામાં આવી હતી. તેમાં 11 હજાર જેટલા પશુઓ હોવાનો અંદાજ મળ્યો હતો. નવી ઢોર નિયંત્રણ પોલીસી અમલી બનાવતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા પશુઓનું રજિસ્ટ્રેશન અને ટેગીંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પોલીસી અમલમાં આવ્યાના બે મહિનામાં પશુપાલકો દ્વારા 1250 જેટલા પશુઓનું રજિસ્ટ્રેશન અને ટેગીંગ કરવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ સમિટ દરમિયાન સતત વીવીઆઇપી મૂવમેન્ટ રહેતી હોવાથી મહાનુભાવોના કાફલા તેમજ રૂટમાં વચ્ચે કોઇ ઢોર આવી ન જાય તે માટે વીવીઆઇપી રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વીઆઇપી રૂટ પર આવેલા ઢોરવાડાના દબાણો અગાઉથી જ હટાવી દેવામાં આવી રહ્યા છે અને આ રૂટ પર સતત વોચ રાખીને રખડતા ઢોરને પકડી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.