ગાંધીનગરને વાયબ્રન્ટ સમિટ માટે તમામ પ્રકારે સજ્જ કરવામાં આવી રહ્યું છે. સમિટ દરમિયાન વીવીઆઇપી મૂવમેન્ટને કારણે શહેરના અનેક રસ્તાઓ બંધ કરવા ઉપરાંત નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આવા રસ્તાઓ પર પ્રતિબંધ છતાં વાહનો પાર્ક થાય તો તેને હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ભાડેથી ક્રેન મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ પાસે પણ ક્રેન નહીં હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ગાંધીનગરમાં પાર્કિંગની સમસ્યા કાયમી છે. તેના ઉકેલ માટે પોલીસી લાવવામાં આવી રહી છે પરંતુ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરવા માટે કે વાહનો ટો કરવા માટે તંત્ર પાસે કોઇ વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. ગાંધીનગર પોલીસની ટ્રાફિક શાખા પાસે જ ક્રેન નથી. મહાનગરપાલિકા પાસે પણ આવી કોઇ સુવિધા નથી. સામાન્ય દિવસોમાં વ્હીકલ ટોઇંગની કાર્યવાહી થતી નથી પરંતુ વાયબ્રન્ટ સમિટ દરમિયાન વીવીઆઇપી રૂટ પર મૂવમેન્ટને અડચણરૂપ પાર્ક થયેલા વાહનો ગણતરીની મિનિટમાં હટાવવા પડે તેમ હોય છે. આવા સંજોગોમાં ક્રેનના અભાવે કાર્યવાહી થઇ શકે તેમ નથી. જેથી મહાનગરપાલિકા દ્વારા 4 જેટલી ક્રેન ભાડે મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફોર વ્હીલર ટો કરવા માટે 3 ક્રેન અને ટૂ વ્હીલર ટો કરવા માટે એક ક્રેન ઓપરેટર, આસિસ્ટન્ટની સાથે ભાડેથી મેળવવામાં આવશે. આ વ્યવસ્થા માત્ર વાયબ્રન્ટ સમિટના 5 દિવસો દરમિયાન જ રાખવામાં આવશે. બીજીતરફ ટ્રાફિક પોલીસ પાસે પણ ક્રેન નથી પરંતુ વાયબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રાફિક પોલીસ પણ ભાડેથી ક્રેન મેળવશે. શહેરના 14 માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આથી આ રસ્તા પર પાર્ક થયેલા વાહનો તાત્કાલિક ટો કરાશે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ પાસે પણ ક્રેન નહીં હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવનાર છે.