
જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે નજીક આવી ગઇ છે. આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. જેને લઈને ઠેર ઠેર રામયાત્રા નીકળી રહી છે.

ત્યારે આજે ગાંધીનગરના સેકટર – 27 ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભયાત્રા કાઢવામાં આવી હતી. એજ રીતે કોબામાં પણ શોભાયાત્રા નીકળી હતી. જેમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા સહિતના રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને દેશ વિદેશમાં વસતા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં પણ અયોધ્યાના મહોત્સવને લઈને વિવિધ મંદિરોમાં રામધૂન, પૂજા અર્ચના તેમજ શોભાયાત્રા સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેક્ટર – 27 માં પણ શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં મનપા વિપક્ષ નેતા અંકિત બારોટ સહિત મોટી સંખ્યામા સેકટરવાસી જોડાયા હતા. સેક્ટર- 27 શિવમ સોસાયટીના “ઈચ્છાપૂર્તિ હનુમાનજી” મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર સેકટરમાં શોભાયાત્રા ધામ ધુમથી ડીજેના તાલ સાથે પરિભ્રમણ કરાયું હતું. જ્યાં દરેક સોસાયટીએ મહિલા અને નાગરિકોએ ઉમળકાભેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.

જ્યારે ગાયત્રીનગર સોસાયટીના અંબાજી મંદિર પાસે યાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં સોસાયટીના સિનિયર સિટીઝન રાજુભાઈ રાજગોર, ઉમેશભાઈ જહા,જયશ્રીબેન ખેતિયા, રામનીવાસ શર્મા દ્વારા શોભાયાત્રાને સફળ બનાવવા મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું. એજ રીતે કોબા શ્રીરામજી મંદિર આયોજિત શ્રીરામ ભગવાનની શોભાયાત્રામાં મેયર હિતેશભાઈ મકવાણા સહભાગી થયા હતા. ઉપરાંત ધારાસભ્ય રીટાબેન પટેલ, કાઉન્સિલરો સહીતના રામ ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
