રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ યુવાન પણ સહભાગી થયો : આ દિવ્યાંગ યુવાને પોતાની આગવી ચિત્રકળાથી છેલ્લા 6 વર્ષોમાં 350થી વધુ પેઇન્ટિંગ બનાવ્યા છે
અમદાવાદ
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને પગલે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન માત્ર અયોધ્યા પરંતુ તમામ શહેર, નગર, અને ગામોમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્યાતિભવ્ય આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પણ રામમય બન્યુ છે.અમદાવાદના યુવાનો પણ રામલલ્લાના વધામણાંને આવકારવા થનગની રહ્યા છે. ઠેર-ઠેર યુવાનો દ્વારા અવનવા આયોજનો થઈ રહ્યા છે.તેવામાં, અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની અનોખી રામભક્તિ તમને પણ પ્રેરણા આપશે. 25 વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાએ પોતાની આગવી ચિત્રકળાથી ‘જય શ્રી રામ’ નું સુંદર કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ અવસરે જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નો નારો આપી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો છે.