અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી વસાહતના 13માં માળેથી આજે એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેની અંદર મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની વિગત પોલીસ પાસેથી જાણવા મળી છે. આ બનાવ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય અમીષાબેન ગુરુકુળ ખાતે રહેતા વંદિતાબેનના ઘરે ગયા હતા. બપોરે 12 વાગ્યે બહેનના ઘરે પહોંચીને ત્યાંથી સ્કૂટી રિપેર કરાવવા જવ છું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ બપોરે 1:20થી 1:26 સુધીના સમયગાળામાં વસ્ત્રાપુર સરકારી વસાહતના 13મા માળેથી બારીમાંથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. અમીષાબેનનું સ્થળ પર જ ગંભીર ઇજાના કારણે મોત થઈ ગયું હતું. બનાવની જાણ થતાં વસ્ત્રપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌધરી જણાવ્યું હતું કે, આજે સાંજે એક મહિલાએ વસ્ત્રાપુરના સરકારી વસાહતના 13મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 47 વર્ષના મહિલાએ પોતાની માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોય, તેવું સુસાઇડ નોટ પરથી જાણવા મળી રહ્યું છે.
મહિલાના આત્મહત્યા કરવા પાછળ કોઈ બીજા કારણ હોય તો તે પણ અંગે પણ તપાસ કરવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.