રાજયની શૈક્ષણિક સંસ્થાઓની RTI મારફતે વિગતો મેળવીને શાળા સંચાલક – ટ્રસ્ટીઓને જેલમાં ધકેલી આપવાની ધાક ધમકીઓ આપી લાખો રૂપિયાનો તોડ કરતાં ગાંધીનગરનાં શિક્ષણ માફિયા મહેંદ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમે કાયદાનો ગાળિયો કસતા જ શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે રાજયના શૈક્ષણિક વિભાગમાં ગમે તેવા કામો પાર પાડી દેવાની છાપ ધરાવતાં મહેંદ્ર પટેલે સુરતની વધુ બે શાળા સંચાલકોનો પણ 47 લાખનો તોડ કર્યો હતો. જે મામલે વધુ બે ગુના દાખલ થતાં મહેંદ્ર પટેલની તોડબાઝીનો આંકડો 1. 27 કરોડ સુધી પહોંચી ગયો છે.
ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી તેના આધારે જેતે શાળાની ત્રુટિઓ શોધીને સંચાલકો – ટ્રસ્ટીઓનું નાક દબાવી તોડપાણી કરતાં ગાંધીનગરના સેકટર – 7 માં રહેતા શિક્ષણ માફિયા મહેંદ્ર પટેલે સુરતના પ્રવીણ ગજેરાનો 66 લાખનો તોડ કરી લેવાયો હતો. જે મામલે ફરિયાદ દાખલ થતાં જ સીઆઈડી ક્રાઈમ એક્શનમાં આવી ગઈ છે. શિક્ષણ માફિયાની છાપ ધરાવતા મહેંદ્ર પટેલની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. એવામાં પલસાણાની મોર્ડન સ્કૂલનાં ટ્રસ્ટી બાબુભાઈ સેજલીયાનો પણ રૂ. 13.50 લાખનો તોડ કર્યાનું બહાર આવતા સીઆઇડી ક્રાઇમે વધુ એક ગુનો દાખલ કર્યો હતો.
ત્યારે ગુજરાતના શિક્ષણ આલમમાં શાળાઓની મંજૂરી અપાવવા તેમજ સ્કૂલોનાં ગમે તેવા ડખાવાળા કામ પાર પાડી આપવામાં માહેર મહેંદ્ર પટેલ સીઆઇડી ક્રાઇમનાં સકંજામાં આવી જતાં એક પછી એક ભોગ બનનાર સ્કૂલ ટ્રસ્ટીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવી રહ્યા છે. જે અન્વયે સુરતની વધુ બે સ્કૂલ સંચાલકોએ પણ તોડ થયાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવી છે. સુરતની ક્રીપ્ટન સ્કુલના ટ્રસ્ટી અરુણભાઈ અકબરીએ અન્ય ભાગીદારો સાથે વર્ષ – 2015/16 દરમ્યાન ગુજરાતી – અંગ્રેજી માધ્યમની સ્કૂલની મંજૂરી માટે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું.
જે અંગેની કોઈ રીતે જાણ થતાં શિક્ષણ માફિયા મહેંદ્ર પટેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી લઈને સુરત ગયો હતો. અને અરુણભાઈનો સંપર્ક કરી સ્કૂલની મંજૂરી લેવી હોય તો ગાંધીનગર ઓફિસે આવવા કહ્યું હતું. આથી અરુણભાઈ સહિતના ટ્રસ્ટી સેકટર – 7/ડી ખાતે મહેંદ્ર પટેલના ઘરે ગયા હતા. જ્યાં મહેંદ્રએ સ્કૂલની મંજૂરી લેવી હોય તો 13 લાખ આપવા પડશે નહીં તો મંજૂરી કેન્સલ કરાવી દેવાની ગર્ભિત ધમકી આપી હતી. આથી ડરી ગયેલા અરૃણભાઈએ ત્રણ લાખ આપ્યા હતા. અને બીજા 10 લાખ મહેંદ્ર સુરત જઈને લઈ આવ્યો હતો. જે પછી સ્કૂલની મંજૂરી પણ આવી ગઈ હતી. એટલે તેઓએ વર્ષ – 2016/17 માં સ્કૂલ ચાલુ કરી દીધી હતી.
જેનાં ત્રણ ચાર મહિના પછી ફરીથી મહેંદ્ર પટેલ સ્કૂલના દસ્તાવેજો લઈને પહોંચ્યો હતો. જેનાં આધારે બીજા 10 લાખ માંગી હંગામી સ્કૂલની મંજૂરી રદ કરાવી દેવાની ધમકીઓ આપી હતી. અને ખોટા દસ્તાવેજોનાં બનાવીને સ્કૂલની મંજૂરી લીધી હોવાનો દાવો કરી જેલમાં પુરાવી દેવાની પણ ધમકીઓ આપી હતી. આમ તેણે બીજા દસ લાખનો તોડ કરી લીધો હતો. આજ રીતે અરુણભાઈની સુરતની પબ્લિક સ્કૂલનાં નામે પણ મહેંદ્ર પટેલે 16 લાખનો તોડ કર્યો હતો.
બીજી તરફ વર્ષ – 2022 માં સ્મુતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત પ્રમુખ વિદ્યાલય નામની સ્કુલના ટ્રસ્ટી મહેંદ્રભાઈ જેરાજભાઈ પટેલે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની સ્કૂલની કામ ચલાઉ માન્યતા માટે સુરત જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફીસમાં અરજી હતી. જે અરજી નામંજુર થતાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અનુસંધાને શિક્ષણ માફિયા મહેંદ્ર પટેલે 8 લાખનો તોડ કરી હાથ અધ્ધર કરી લીધા હતા. આમ ઉક્ત બંને શાળાનાં ટ્રસ્ટીઓએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપતા શિક્ષણ માફિયા મહેંદ્ર પટેલની તોડબાઝીનો આંકડો 1 કરોડ 27 લાખ સુધી પહોંચી ગયો છે.