ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનાં એક્શન પ્લાન સાથે ગેરરીતિની સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.
મહત્વની બાબત એ છે કે, દર વર્ષે અંદાજે 15 થી વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા નિયમ મુજબ તેઓની સામે ગુનો દાખલ થાય છે.
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પરીક્ષાખંડમાં ભૂલથી મોબાઈલ લઈને આવતા નહી. તેમજ સ્માર્ટ વોચ લાવશો તો પોલીસ ફરિયાદ થશે.
બોર્ડની પરીક્ષા વખતે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ન લઈ જવી
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જવાબવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીને બેસાડવામાં ન આવે, વર્ગખંડમાં પ્રતિબંધિત વિજાણુ ઉપકરણો જેમ કે, કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલક્યુલેટર વગેરે.
તેમજ સૌથી મહત્વની બાબતની વાત કરીએ તો પરીક્ષા શરૂ થયા પહેલા પ્રશ્નપત્ર કે તેને લગતી વિગતો જેમ કે, જવાબો વોટ્સએપ, ઈ-મેઈલ કે સોશિયલ મીડિયા મારફતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થી બહારથી અન્ય કોઈ વ્યક્તિ મારફતે જવાબ લખાવવામાં આવે તેવા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. તેમજ આ પરીક્ષાનું પરિણામ તે વિદ્યાર્થીનું રદ્દ કરવામાં આવશે અને ત્યાર પછીની પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા દેવામાં આવશે નહી.