ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સેલના ચેરમેન તરીકે રાજેશભાઈ ગોહિલ તથા વર્કિંગ ચેરમેન તરીકે ડૉ. મહેશભાઈ રાજપુત, રમેશભાઈ દેસાઈ તથા રાજુભાઈ આહીરનો પદ ગ્રહણ સમારોહ યોજાયો
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સેલના ચેરમેન તરીકે રાજેશભાઈ ગોહિલ તથા વર્કિંગ ચેરમેન તરીકે ડૉ. મહેશભાઈ રાજપુત, રમેશભાઈ દેસાઈ તથા રાજુભાઈ આહીરનો પદ ગ્રહણ સમારોહ યોજાયેલ હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. સેલના સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સરકારી એર ઈન્ડિયા જેવી કંપનીઓને ખાનગી કંપનીઓને પધરાવી પાછલા બારણે અનામત પ્રથા રદ કરવાનું કાવતરુ કર્યું છે. સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ-4ની ભરતી પ્રક્રિયા બંધ કરીને કોન્ટ્રાક્ટ પ્રથાથી એજન્સી મારફતે ભરતી કરી અનામતના લાભથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર દ્વારા આદરવામાં આવ્યું છે તે ભાજપ સરકારની સ્પષ્ટ અનામત વિરોધી માનસિકતા દર્શાવે છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ઓ.બી.સી.ની 148 જ્ઞાતિ જે રાજ્યની 50 ટકા વસ્તી ધરાવે છે તેમને રાજકીય લાભોથી વંચિત રાખવામાં આવ્યાં છે. ઓ.બી.સી. સમાજે પોતાના હક્ક-અધિકાર માટે સંગઠિત થવુ પડશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સ્વ. ઈન્દિરા ગાંધીજી જેવા નેતૃત્વએ વંચિત, શોષીત, પીડીત સમાજને પ્રદેશનું નેતૃત્વ સોંપવાનું કામ કર્યું હતુ. શ્રી રાહુલ ગાંધીજીએ જ્ઞાતિ ગણનાની તરફેણ કરી ત્યારબાદ તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યા જ્ઞાતિ ગણનાના નિર્ણયો લેવાયા.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ઓ.બી.સી. સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હંમેશા ગરીબ, સામાન્ય જનતાની ચિંતા કરી છે તથા તેમને તાકાત આપવાનું કામ કર્યું છે. આપણા નેતાશ્રી રાહુલ ગાંધીજી જ્યાં પણ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનોરીટી સાથે અન્યાય થાય છે ત્યાં બુલંદ અવાજે બોલે છે અને લડે છે. સંઘની મનુવાદી વિચારધારાથી ચાલતી ભાજપ સરકાર દ્વારા ઓ.બી.સી. સમાજનો મતદાર તરીકે ઉપયોગ કર્યો છે પણ લાભથી હંમેશા વંચિત રાખ્યા છે. ગુજરાત રાજ્યના કુલ બજેટનું એક ટકો પણ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ માટે ફળવાતો નથી.
ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સંમેલનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી રૂત્વીકભાઈ મકવાણા, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નૌશાદભાઈ સોલંકી, પૂર્વ મંત્રીશ્રી ભીખાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્યશ્રી રણછોડભાઈ મેર, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, મહિલા સેવાદળના પ્રમુખશ્રી પ્રગતિબેન આહિર, ઓ.બી.સી.ના પ્રભારીશ્રી સુલ્તાનસિંહ ગુર્જર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના તથા ઓ.બી.સી.ના કાર્યકરો હાજર રહ્યાં હતાં.