ગાંધીનગરના લીંબોદરા પાટીયા નજીક પૂર્વ બાતમીના આધારે એલસીબીએ દારૂ ભરેલી કારનો પીછો કરતાં ડ્રાઈવર કાર બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં કારની તલાશી લેતાં અંદરથી રૂ. 1.23 લાખની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો મળી આવતા એલસીબીએ કુલ રૂ. 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવાની પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ આપેલ સૂચનાનાં પગલે એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમ માણસા પોલીસ પોલીસ મથકની હદ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમ્યાન બાતમી મળેલી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક સિલ્વર કલરની ગાડી વિજાપુર તરફથી લીંબોદરા પાટીયા થઈ ગાંધીનગર તરફ જનાર છે.
જે હકીકતના આધારે એલસીબીએ લીંબોદરા પાટીયાથી વિજાપુર આવતા રોડ ઉપર વાહન દ્વારા આડાશ કરી વોચ ગોઠવી દેવાઈ હતી. અને બાતમી મુજબની કાર આવતી દેખાતા તેના ચાલકને ઉભા રહી જવાનો ઈશારો કર્યો હતો. જો કે કારના ચાલકે પોલીસ પહેરો જોઈને કાર રોડની બાજુમાં થઇ લીંબોદરા પાટીયા તરફ ભગાવી મૂકી હતી.
આથી પહેલેથી તૈયારી સાથે ઉભેલી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો. જો કે આગળ જતાં હાઇવે નજીકના ખેતરમાં કાર બિનવારસી હાલતમાં મૂકીને ચાલક અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદર દારૂ ભરેલો હતો. જેથી કારને ક્રેન મારફતે માણસા પોલીસ મથકે લઈ જવાઈ હતી. જ્યાં વીગતવાર દારૂની ગણતરી કરતા 347 નંગ વિદેશી દારૃ – બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી કુલ રૂ. 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.