અમદાવાદ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરાવવાના છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી આશ્રમની મુલાકાત લઈને ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર મુખ્ય કાર્યક્રમની વિગતો મેળવી હતી તથા સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાનશ્રીની મુલાકાતનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમની રૂપરેખા સહિત સહિત અન્ય મુદ્દાઓ અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મુખ્યમંત્રીશ્રીની સાબરમતી આશ્રમ ખાતેની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, અમ્યુકોના કમિશનર શ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., આશ્રમના ટ્રસ્ટીગણ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.