મહારાષ્ટ્રથી પરિવારની જાણ બહાર બહાર ભાગીને પ્રેમલગ્ન કરી પ્રેમી સાથે ગાંધીનગરના કલોલ ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમિકાએ બે વર્ષથી ઘર સંસાર માંડ્યો હતો. જો કે પ્રેમી અન્ય યુવતીને પણ પ્રેમ જાળમાં ફસાવી બે મહિનાથી અગાઉ ભાગી જતાં ગર્ભવતી પ્રેમિકાને નિરાધાર જીવન જીવવાનો વખત આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અઢી અક્ષરનો પ્રેમ ગમે ત્યાં ગમે તેની સાથે થઈ જતો હોય છે. પરંતુ પ્રેમ સંબંધો નિભાવવા અઘરા હોય છે. સભ્ય સમાજમાં આજકાલ પ્રેમી કે પ્રેમિકાએ એકબીજાને દગો કર્યાના ઘણાં કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આવું જ કઈ મહારાષ્ટ્રની યુવતી સાથે ગાંધીનગરમાં બન્યું છે. મહારાષ્ટ્રનાં યુવક યુવતીની આંખો મળી જતાં પ્રેમના અંકુર ફૂટયા હતા. જો કે પરિવારજનો પ્રેમ સંબંધનો સ્વીકાર કરે એમ નહીં હોવાથી બે વર્ષ અગાઉ પ્રેમીપંખીડાએ ભાગીને ગુજરાતમાં આવી પ્રેમ લગ્ન કરી લીધા હતા.
બાદમાં પ્રેમીપંખીડા ગાંધીનગરના કલોલ ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા હતા. જો કે ઘર સંસાર ચલાવવા માટે પ્રેમીએ અત્રેની ખાનગી કંપનીમાં મજુરી કામ શરૂ કર્યું હતું. જેથી પ્રેમિકાએ પણ પ્રેમીને મદદરૂપ થવા કંપનીમાં મજુરી કરવાનું ચાલુ કર્યું હતું. મહારાષ્ટ્રમાં માતા પિતાની છત્રછાયામાં ટેસથી ઉછરેલ પ્રેમિકાને પ્રેમી સાથે જીવન નિર્વાહ કરવા માટે મજૂરી કરવાનો વખત આવ્યો હતો. પરંતુ પ્રેમીનાં વિશ્વાસે ઉજળા ભવિષ્યના સપના સાકાર કરવા પ્રેમિકાએ નાની મોટી તકલીફો પણ સ્વીકારી લીધી હતી. પ્રેમી પંખીડા દોઢ વર્ષથી સાથે મજુરી કરીને પેટીયુ રળી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક પ્રેમીના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો હતો. ત્યારે સ્થાનિક મજુરો થકી પ્રેમીને અન્ય યુવતી સાથે પણ પ્રેમ પાંગર્યો હોવાનું જાણીને પ્રેમિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે પોતાની કૂખમાં આઠ મહિનાથી ગર્ભ ઊછરી રહ્યો હોવાથી પ્રેમિકા કશું કરી શકે એમ ન હતી. બસ પ્રેમી સુધરી જશે એવી આશાએ દિવસો પસાર કરી રહી હતી.
એવામાં બે મહિના અગાઉ પ્રેમી તેની નવી પ્રેમિકાને લઈને કલોલથી રફુચક્કર થઈ ગયો હતો. જેનાં પરત ફરવાની આશાએ પ્રેમિકાએ બે મહિના સીધું કાગડોળે રાહ જોઈ અન્ય મજૂર પરિવારોનાં ઘરે આશરો લીધો હતો. જો કે હવે બે મહિનાથી પ્રેમી પરત નહીં આવતાં મજૂર પરિવારોએ પણ તેણીને રાખવાની ના પાડી દીધી હતી. આ તરફ મહારાષ્ટ્રથી ભાગ્યા પછી પોતાના પરિવારજનોએ પણ સંપર્કો કાપી નાખ્યા હતા.
આખરે હારી થાકીને પ્રેમિકાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પાસે મદદ માંગી હતી. જેનાં પગલે 181 અભયમ ટીમના કાઉન્સિલર ટીમ સાથે પીડિતા પાસે પહોંચી ગયા હતા. અને વારંવાર ટેલીફોનીક સંપર્ક કરવા છતાં પ્રેમીએ ફોન ઉપાડયા ન હતા. બાદમાં અભયમ ટીમે નજીકના પોલીસ મથકમાં ફરિયાદ કરવા પીડિતાને રાહ ચીંધી હતી. પરંતુ ગર્ભવતી પીડિતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આખરે અભયમ ટીમે પીડિતાને ગાંધીનગરના આશ્રયગૃહમાં પીડિતાને આશરો અપાવી રાહત અનુભવી હતી.