ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને તા. 18/05/2024ના રોજ ગુપ્ત બાતમી મળી,ચારેય ઇસમો હિન્દી તથા અંગ્રેજી ભાષા બરાબર જાણતા ન હોય તમિલ ભાષાના જાણકાર મારફતે ઈસમોની પૂછપરછ
યહૂદીઓ,ખ્રિસ્તીઓ,BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટેના પુરાવા મળ્યા
આતંકવાદીઓ અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે,તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની, અબુએ તેને ચાર લાખ શ્રીલંકન કરન્સી આપી હતી
સર્ચ દરમ્યાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પીસ્ટલ અને 1 કાળા કલરનો ફ્લેગ મળી આવ્યો
અમદાવાદ
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને તા. 18/05/2024ના રોજ ગુપ્ત બાતમી મળેલ કે, ચાર વ્યક્તિઓ નામે (૧) મોહમ્મદ નુસરથ (૨) મોહમ્મદ નફરાન (૩) મોહમ્મદ ફારિસ અને (૪) મોહમ્મદ રસદીન, કે જેઓ શ્રીલંકાના નાગરિકો અને રહેવાસીઓ છે જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS) ના સક્રિય સભ્યો છે અને તેઓ ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS) ની કટ્ટર વિચારધારા ધરાવે છે. તેઓએ ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS) ના નેજા હેઠળ ભારતમાં કોઇ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરુ રચેલ છે અને આતંકવાદી કૃત્યને અંજામ આપવા સારુ તેઓ ૧૮ કે ૧૯ મેના રોજ હવાઈ અથવા ટ્રેન મારફતે અમદાવાદમાં આવનાર છે. બાતમી અંગે એ.ટી.એસ. ગુજરાતની ટીમ દ્વારા ફ્લાઈટ્સ તથા ટ્રેઈન્સના બુકીંગ મેનીફેસ્ટો અંગેની માહિતી એકત્રિત કરી તપાસ કરવામાં આવેલ, જે દરમ્યાન ખૂલવા પામેલ કે ઉપરોક્ત ચાર શ્રીલંકાના નાગરિકોની ટિકિટ એક જ PNR પર બુક કરવામાં આવેલ છે અને તેઓએ કોલંબો થી અમદાવાદ વાયા ચેન્નઈની ફ્લાઈટ ટીકીટ બુક કરાવેલ છે. તેઓના બોર્ડીંગ અંગે ખાત્રી કરાવતા જાણવા મળેલ કે, ચારેય ઇસમો તા. ૧૯/૦૫/૨૦૨૪ના રોજ સવારે કોલંબો થી ચેન્નઈ એરપોર્ટ આવેલ છે અને ચેન્નઈ એરપોર્ટથી ઇન્ડીગો ફલાઇટ નંબર 6E 848 માં અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થયેલ છે અને તા. ૧૯/૦૫/૨૦૨૪ના રોજ કલાક ૨૦/૧૦ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થનાર છે. બોડીંગ અંગે ખાત્રી થતા જ એ.ટી.એસ. ગુજરાતના પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થ, કે. કે. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય તથા એસ. એલ. ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમો અમદાવાદ એરપોર્ટ ખાતે તા. ૧૯/૦૫/૨૦૨૪ની સાંજથી ડીપ્લોય કરવામાં આવેલ અને ઈસમોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અટક કરી તેઓની વધુ પૂછપરછ સારૂ એ.ટી.એસ. ગુજરાત ખાતે લાવવામાં આવ્યા હતા. ચારેય ઇસમો હિન્દી તથા અંગ્રેજી ભાષા બરાબર જાણતા ન હોય તમિલ ભાષાના જાણકાર મારફતે આ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાના પૂરા નામ (૧) મોહમ્મદ નુસરથ, S/o અમ્હેમદ ગની, ઉ.વ. ૩૩, રહે. ૨૭/૧૭, રહમાનાબાદ, પેરીયમોલ, નિગંબુ, શ્રીલંકા (૨) મોહમ્મદ નફરાન, S/o નૌફેર, ઉ.વ. ૨૭, રહે. ૨૦૩/૧૭, લીયાર્ડસ, બ્રોડ વે, કોલંબો-૧૪, શ્રીલંકા (3) મોહમ્મદ ફારિસ, S/o મોહમ્મદ ફારૂક, ઉ.વ. ૩૫, રહે. ૪૧૫/૨૯, જુમ્મા મસ્જીદ રોડ, માલિકાવત, કોલંબો, શ્રીલંકા અને (૪) મોહમ્મદ રસદીન, S/o અબ્દુલ રહીમ, ઉ.વ. ૪૩ રહે. ૩૬/૨૦, ગુલફન્ડા સ્ટ્રીટ, કોલંબો-૧૩, શ્રીલંકાના હોવાનું જણાવેલ.
અટકાયત કરેલ ઉપરોક્ત ચારેય ઈસમોના કબ્જામાંથી મળી આવેલ સામાનની પંચો રૂબરૂ ઝીણવટભરી તપાસ દરમ્યાન નીચે મુજબની વિગતો ખૂલવા પામેલ.
1. મોહમ્મદ નુસરથ પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લમિક સ્ટેટ (IS) સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવેલ છે.
2. ઉપરોક્ત ઈસમો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવેલ. 1. પાણીની કેનાલ, 2. મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ,3. બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ,4.ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના હોવાનું જણાઈ આવેલ.
3. ઉપરોક્ત ઈસમો દ્વારા ઉપયોગમાં લેવાતા Protonmailમાં એક સેલ્ફ ઈ-મેઈલ મળી આવેલ, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલ હતા.જે સંદર્ભે ટ્રાન્સલેટર મારફતે ઈસમોની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS) ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે, તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલરપાકિસ્તાની અબુએ તેઓને જણાવેલ હતુ કે તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવેલ છે તે જગ્યાના ફોટા તથા તેનુ લોકેશન પ્રોટોન ડ્રાઇવ તથા પ્રોટોન મેઇલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઇ હથિયારો મેળવી લેશો અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.જેથી એ.ટી.એસ. ગુજરાતની એક ટીમ દ્વારા ઉપરોક્ત ઈસમો તથા પંચો તેમજ ટ્રાન્સલેટરને સાથે રાખી તાત્કાલિક ઉપરોક્ત મળી આવેલ Geo Co-ordinates ખાતે સર્ચ હાથ ધરવામાં આવેલ, જે સર્ચ દરમ્યાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પીસ્ટલ અને 1 કાળા કલરનો ફ્લેગ મળી આવેલ. ત્રણેય પીસ્ટલ ઉપર સ્ટારનું ચિહ્ન છે અને બેક ટ્રેકીંગ થઈ ન શકે એ હેતુથી રીકવર કરવામાં આવેલ ત્રણેય પીસ્ટલ ઉપરથી સીરીયલ નંબર ઈરાદાપૂર્વક ભૂંસી નાંખેલ હોવાનું જણાઈ આવેલ છે. આ ત્રણ પૈકી 2 પીસ્ટલમાં એટેચ કરેલ મેગ્ઝીનમાં 7- 7 રાઉન્ડ્સ તથા 1 પીસ્ટલમાં એટેચ કરેલ મેગ્ઝીનમાં 6 રાઉન્ડ્સ એમ કુલ 20 રાઉન્ડ્સ રીકવર કરવામાં આવેલ છે, જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ 3 પીસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવેલ હોવાનું જણાય છે. સર્ચ દરમ્યાન મળી આવેલ બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) નો હોવાનું જણાઈ આવેલ છે. પકડાયેલ ઈસમો પૈકી મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલીડ વિઝા પણ ધરાવે છે.ચારેય ઇસમોને અમોએ પંચો રૂબરૂ હાજર ટ્રાન્સલેટર મારફતે તેઓના મોબાઇલ ફોનમાંથી મળી આવેલ પુરાવા તથા ઉપરોક્ત હથિયારો બાબતે પુછતાં તેઓએ જણાવેલ કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મીલીટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા, જેને શ્રીલંકન સરકાર દ્વારા ઈસ્ટર બોમ્બીંગ બાદ એપ્રીલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૪ માં તેઓ IS હેન્ડલર અબુના સંપર્કમાં આવેલ હતા અને તેની પ્રેરણાથી આતંકવાદી સંગઠન IS માં સભ્ય બનેલ હતા અને તે માટે તેઓએ શપથ લીધેલ હતી તેમજ તેઓ અબુના કહેવાથી અમદાવાદ આવેલ છે અને તેઓ અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઇ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા અને આ કામ માટે અબુએ તેઓને રૂ. 4,00,000 શ્રીલંકન કરન્સી આપેલ હતી. તેમજ કબ્જે કરેલ હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલાવેલ હતા. આ ઉપરાંત, પકડાયેલ ઈસમોએ તેઓના પાકિસ્તાની હેન્ડલરને સુસાઈડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી.
મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ’ (IS) સાથે જોડાયેલ ઉપરોક્ત ચારેય શ્રીલંકન નાગરિકો વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ની કલમ 18 તથા 38, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ આઈ.પી.સી.ની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.