ગુજરાતમાં મેડિકલ શિક્ષણ મોંધુ બન્યુ છે. જેમાં મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો થયો છે. તેમાં 13 GMERS મેડિકલ કોલેજમાં 89 ટકાનો તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે.
જેમાં સરકારી ક્વોટાની ફી 3.30 લાખથી વધી 5.50 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી 9થી 17 લાખ થઈ છે. ગત વર્ષે 20 જુલાઈના રોજ જાહેર કરેલો ફી વધારાનો પરિપત્ર જ આ વખતે ફરી પ્રસિદ્ધ કર્યો છે.
રાજ્યની સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, હિંમતનગર, જુનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 GMERS કોલેજમાં MBBSની વાર્ષિક ફીમાં 89 ટકાનો તોતિંગ વધારો ઝીકી દીધો છે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગમાથી આવતા વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણો મેડિકલ શિક્ષણના દરવાજા જ બંધ કરવાનું આયોજન કરાયુ હોવાના આક્ષેપો થયા છે. સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.3.30 લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66 ટકાના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.9 લાખથી વધારીને રૂ.17 લાખ કરવામાં આવી છે, જેમાં 88.88 ટકાનો વધારો કરાયો છે.
NRI ક્વોટાની બેઠકમાં 22,000 ડોલર ફી હતી જે વધારીને 25,000 ડોલર કરાઈ છે, જેમાં 13.63 ટકા વધારો કરાયો છે. મહત્વની વાત એ છે કે, મેડિકલ કોલેજોની ફીમાં ગત વર્ષે તા.20 જૂલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો એમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે, બાકી કોઈ ફેરફાર કરાયો નથી. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા તમામ GMERS કોલેજના ડીનને ઉદેશી પત્ર પાઠવ્યો છે કે, શૈક્ષણિક પ્રવેશ વર્ષ-2024-25 માટે GMERSની હસ્તકની મેડિકલ કોલેજોની સ્વનિર્ભર બેઠકોની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.17 લાખ, NRI ક્વોટાની ફી વાર્ષિક 25 હજાર યુ.એસ.ડોલર અથવા સમકક્ષ વિદેશી ચલણના ધોરણો રાખવા મંજૂરી મળી છે.
વર્ષ-2024-25માં પ્રથમ વર્ષની 13 મેડિકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.5.50 લાખ સાથે સેલ્ફ ફાઈનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75 ટકા બેઠક પ્રમાણે કુલ 1,500 બેઠકો, શૈક્ષણિક ફી વાર્ષિક રૂ.17 લાખ સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10 ટકા લેખે કુલ 210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવે છે. NRI ક્વોટાની 15 ટકા લેખે 315 બેઠકો ઉપર વાર્ષિક 25 હજાર યુએસ ડોલર સાથે પ્રવેશ આપવાનો રહેશે. તથા NRI ક્વોટાની 315 બેઠકોમાંથી ખાલી રહેતી બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થતી હોઈ તે મુજબ 17 લાખ ફીથી પ્રવેશ આપવા કેન્દ્રિય એડમિશન કમિટીને સરેન્ડર કરવામાં આવે છે. ગત વર્ષે તા.20 જૂલાઈના રોજ ફી વધારો જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી ગુજરાત સ્ટેટ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એસો. દ્વારા રજૂઆત કરાઈ હતી કે એક તરફ દિવસેને દિવસે મેડિકલનું શિક્ષણ મોઘુ થઈ રહ્યુ છે, ગરીબ પરિવારના બાળક માટે ડોક્ટર બનવુ એક માત્ર સપનુ જ છે, ત્યારે હવે ફરી તોતિંગ ફી વધારો ઝીંકી મધ્યમ પરિવારના બાળકો માટે પણ મેડિકલનો રસ્તો સાવ બંધ કરી દેવાયો છે. બીજી તરફ સરકાર એવું કહ્યું કે મેડિકલના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ, સ્કોલરશીપ, ફ્રી શીપકાર્ડ યોજના અપાય છે.