રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે કેપ્ટન અંશુમાન સિંહને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા. તેમની પત્ની સ્મૃતિએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સમય દરમિયાન સ્મૃતિ ખૂબ જ ભાવુક થઈ ગયાં હતાં અને કોઈક રીતે હિંમત એકઠી કરીને પોતાના આંસુ પર કાબૂ રાખ્યો. આ ફંક્શનમાં કેપ્ટન અંશુમનના માતા પણ હાજર હતાં.
સિયાચીન આગની ઘટના દરમિયાન તેમની બહાદુરી માટે કેપ્ટન અંશુમનને દેશનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
સ્મૃતિ યાદ કરે છે કે, તેઓ મને કહેતા હતા કે છાતીમાં ગોળી વાગ્યા પછી હું મરી જઈશ, પણ સામાન્ય મૃત્યુથી નહીં મરું. તેમણે વધુમાં કહ્યું કે, “અમે (એન્જિનિયરિંગ) કોલેજના પ્રથમ દિવસે મળ્યા હતા, હું નાટકીય બનવા માંગતી નથી, પરંતુ તે પ્રથમ નજરમાં પ્રેમ હતો. એક મહિના પછી તેમની પસંદગી આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC)માં થઈ. પછી મેડિકલ કોલેજમાં તેની પસંદગી થઈ. તે એક બુદ્ધિશાળી વ્યક્તિ હતા. ત્યારથી, માત્ર એક મહિનાની મુલાકાત પછી, આ સંબંધ આઠ વર્ષ સુધી ચાલ્યો. પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. કમનસીબે, બે મહિનામાં જ તેમને સિયાચીનમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.”
કેપ્ટન અંશુમાન સિંહ સિયાચીન ગ્લેશિયર વિસ્તારમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા. 19 જુલાઈ 2023ના રોજ, ભારતીય સેનાના દારૂગોળાના ડમ્પમાં સવારે લગભગ 3 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. કેપ્ટન સિંહે એક ફાઈબર ગ્લાસની ઝૂંપડીને આગમાં લપેટાયેલી જોઈ અને તરત જ અંદર ફસાયેલા લોકોને બચાવવાનું કામ શરૂ કર્યું. તેઓએ ચારથી પાંચ લોકોને સફળતાપૂર્વક બચાવી લીધા પરંતુ આગ ટૂંક સમયમાં નજીકના મેડિકલ તપાસ રૂમ સુધી ફેલાઈ ગઈ. કેપ્ટન સિંહ સળગતી ઝૂંપડીમાં પાછા ગયા, પરંતુ તમામ પ્રયત્નો છતાં તે અંદર ફસાયેલા રહ્યાં.
સ્મૃતિએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારા લગ્નના બે મહિનાની અંદર, કમનસીબે તેમનું પોસ્ટિંગ સિયાચીનમાં થયું. 18 જુલાઈના રોજ, અમે આગામી પચાસ વર્ષમાં અમારું જીવન કેવું હશે તે વિશે લાંબી વાતચીત કરી. 19 જુલાઈની સવારે, મને એક કૉલ આવ્યો કે તેઓ હવે નથી. પછીના સાત-આઠ કલાક સુધી અમે એવું સ્વીકારવા તૈયાર નહોતા કે આવું કંઈક થયું હતું. હવે મારા હાથમાં કીર્તિ ચક્ર છે, આ સાચું છે. તે હીરો હતા. તેમણે પોતાનું આખું જીવન અન્ય લોકો અને સૈન્યના પરિવારોને બચાવવામાં વિતાવ્યું.” કેપ્ટન સિંહનો ઉત્તર પ્રદેશના દાવરિયા જિલ્લાના ભાગલપુરમાં 22 જુલાઈ 2023ના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.