ગાંધીનગરના રાંદેસણમાં આવેલી SMVS હોસ્પિટલ નજીકના ચાર રસ્તાએ એક્ટિવા સાથે કારનો અકસ્માત થતાં ઈજાઓ થઈ હોવાનું તરકટ રચી કારચાલક વૃદ્ધને પોલીસ કેસ કરવાની બીક બતાવી બે ગઠિયા 40 હજાર રોકડા તેમજ રૂ. 1.50 લાખનો સેલ્ફનો ચેક લખાવી બેંકમાંથી પૈસા પણ ઉપાડી લઈને રફુચક્કર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરનાં રાંદેસણમાં પ્રમુખ રેસીડેન્સીમાં રહેતાં 72 વર્ષીય સિનીયર સિટીઝન મહેન્દ્રભાઇ ગોપાલજી ધ્રાંગધરીયા ગત તા. 3 જુલાઈના રોજ સેકટર – 16 ની બેંકમાં કામ અર્થે ગયા હતા. અને સાંજના ચારેક વાગે અલ્ટો ગાડી ઘરે પરત જઈ રહ્યા હતા. એ વખતે SMVS હોસ્પિટલ નજીકના ચાર રસ્તા પાસે ગાડીમાંથી કઈક અવાજ આવ્યો હતો. જેથી તેમણે જોયેલ તો કઈ દેખાયું ન હતું. એટલે તેમણે ગાડી આગળ જવા દીધી હતી. ત્યારબાદ સર્કલથી આશરે 500 મીટર તેમના ઘર નજીક એક્ટિવા ઉપર બે ઈસમોએ તેમને ઈશારો કરીને રોક્યા હતા. બન્ને ઈસમોએ એક્ટિવા સાથે કારનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જે પૈકી એક ઈસમે ઈજાઓ થઈ હોવાથી દવાખાને લઈ જવાનું કહેતા મહેંદ્રભાઈએ ચેક કરતાં કોઈ ઈજાઓ પણ જોવા મળી ન હતી. તેમ છતાં ઈસમ કારમાં બેસી જઈ દવાખાને લઈ જવાનું દબાણ કરવા લાગ્યો હતો. આથી મહેંદ્રભાઈ તેને નજીકની SMVS હોસ્પિટલ લઈ જવાની તૈયારી દર્શાવી હતી.
ત્યારે પોલીસ કેસ કરવો નથી કહીને ગાડીમાં બેઠેલ ઈસમ મહેંદ્રભાઈને પથિકાશ્રમ સર્કલ નજીક નમસ્તુતે હોસ્પીટલ ખાતે લઈ ગયો હતો. અને બીજો ઈસમ એક્ટિવા લઈને પાછળ ગયો હતો. બાદમાં હોસ્પિટલ બહાર પહોંચીને તે પણ ગાડીમાં જઈને બેસી ગયો હતો. જ્યારે ઇજા થઇ હોવાનો ડોળ કરતો ઈસમ હોસ્પિટલમાં એકલો સારવાર કરાવવા માટે ગયો હતો. જેની થોડીવાર પછી બહાર આવીને તેણે ફોનમાં કોઈ ડોક્ટર સાથે મહેંદ્રભાઈ જોડે વાત કરાવી હતી. જેણે કહેલ કે આ દર્દીને જમણા ખભાના ભાગે ફ્રેકચર હોવાથી અઠવાડિયું દાખલ રહેવું પડશે અને તેનો ખર્ચ રૂ. 1.70 હજાર જણાવ્યો હતો. આ દરમ્યાન બન્ને જણાએ પોતાના નામ સંદીપ ઠાકોર અને ઇસ્માઇલ હોવાનું જણાવ્યું પૈસા નહીં આપો તો પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી હતી.
આથી મહેંદ્રભાઈ ગભરાઈ જતાં બન્ને ઈસમો તેમને એટીએમમાં લઈ ગયા હતા. અને રૂ. 40 હજાર વીડ્રો કરાવીને લઈ લીધા હતા. બાદમાં બીજા પૈસા માટે રકઝક કરવા લાગતા મહેંદ્રભાઈએ ચેક લખીને આપવાનું કહ્યું હતું. બાદમાં બન્ને ઈસમો મહેંદ્રભાઈનાં ઘરની સોસાયટીની બહાર સુધી ગયા હતા. બાદમાં મહેંદ્રભાઈએ ઘરે જઈને રૂ. 1.50 લાખનો ચેક લઈ આવીને બન્ને ઈસમોને આપ્યો હતો. અને બંન્ને ગાડીમાં બેસાડી પાછા SMVS ચાર રસ્તે ઉતારી આવ્યા હતા.
જેનાં બીજા દિવસે બેંક એકાઉન્ટમાંથી દોઢ લાખ વીડ્રો પણ થઈ ગયા હતા. ત્યારબાદ સંદીપ ઠાકોરે ફોન કરીને બીજા રૂ. 70 હજારની માંગણી કરી હતી. જેથી મહેંદ્રભાઈએ પોતાના પરિવારને સઘળી હકીકત જણાવી હતી. બાદમાં કહેવાતી અકસ્માત સ્થળની જગ્યાએ તેમના પુત્રએ સીસીટીવી ચેક કરતાં કોઈ જાતનો અકસ્માત નહીં થયાનું સામે આવ્યું હતું. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.