અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી એ મુખ્યમંત્રી ને પત્ર લખી જણાવ્યું હતું કે રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સીટીમાં પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ (GCAS)ની જોરશોર થી શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પૂરતા આયોજનના અભાવે સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં અવ્યવસ્થા ઉભી થઇ, વિદ્યાર્થી-વિધાર્થીનીઓ મોટા પાયે અટવાયા, પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતીનો અભાવ, પુરતી માહિતી અને માર્ગદર્શન માટે સ્થાનિક હેલ્પ સેન્ટરનો અભાવના પરિણામે અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મજબુરી થી ખાનગી યુનિવર્સીટીમાં ઉંચી ફી ભરીને પ્રવેશ લેવા માટે ફરજ પડી જે ઘણી જ ગંભીર બાબત છે.રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સીટીમાં SC/ST/OBC અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશમાં તકલીફ પડી સાથો સાથ બિનઅનામત EWSના વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તે હકીકત છે.
શિક્ષણ વિભાગના અણધડ આયોજન, પુરતી માહિતી માટે હેલ્પ સેન્ટરોનો અભાવ, GCAS પોર્ટલ પર પણ પુરતી માહિતીનો અભાવ, ફી ના ધોરણો, બેઠકોની સંખ્યા, વિષયોની માહિતી જેવી મૂળભૂત બાબતો પણ ઉપલબ્ધ કરવામાં આવી નહોતી. જેનાથી ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભારે અસમંજસની સ્થિતિમાં અટવાઈ પડ્યા અને મોટા ભાગની યુનિવર્સીટીઓએ શરૂઆત માં જ GCAS માંથી બહાર નીકળીને જાતે પ્રવેશ પ્રક્રિયા આરંભી દીધી હતી. શૈક્ષણિક સત્ર શરુ થવામાં વિલંબ થયો છે. પ્રવેશ પ્રક્રિયા કેટલો વખત ચાલશે તે ખુદ સત્તાધીશો જાણતા નથી અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પ્રવેશ માટે એક કોલેજ થી બીજી કોલેજ અટવાઈ રહ્યા છે. સરકારી, ગ્રાન્ટઇનએડ કોલેજોમાં પણ ૧૫૦૦/- રૂ. ની સત્ર ફી થી અભ્યાસની તક હતી પણ પ્રવેશની પ્રક્રિયામાં ઉભી થયેલી અવ્યવસ્થાના કારણે BA – B Com અભ્યાસ ક્રમ માટે ખાનગી યુનીવર્સીટીમાં રૂ. ૫૦,૦૦૦/- થી રૂ. ૪,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમ ફી પેટે વસુલી રહ્યા છે. બેચરલ ઓફ આર્ટસ(BA) અને બેચરલ ઓફ કોમર્સ(B.com) અભ્યાસક્રમ માટે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં વિશેષ વર્ગો શરુ કરવા જોઈએ ખાસ કરીને અંગ્રેજી માધ્યમ માટે બેચરલ ઓફ આર્ટસમાં ઘણી માર્યાદિત બેઠકો હોવાથી પરેશાની વધુ છે. ત્યારે પરવડે તેવી ફી માં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવાની તક મળે તે જોવાની ફરજ રાજ્ય સરકારની છે. આપશ્રી આ બાબતે તાત્કાલિક જે તે યુનિવર્સીટી સંકલન કરી યોગ્ય પગલા ભરશો તેવી વિનંતી.