ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થવાની સંભાવના છે. સંગઠનનમાં ફેરફાર પહેલા અમદાવાદમાં પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં રવિવારે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. પક્ષના ફોરમથી અલગ જઈને પાટીદાર નેતાઓએ બેઠક કરી હતી. એક મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે.
આ અંગે કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે પક્ષના પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક પહેલા મારા ઘરે પણ એક બેઠક મળી હતી. અમારી કમિટી બનાવાઈ છે, પાટીદારોની તે કમિટીની પહેલી બેઠક હતી. કોંગ્રેસ સાથે પાટીદારો કઈ રીતે સંકળાય તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. ખેડૂતો મામલે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. સંગઠનમાં પટેલો આગળ આવે તે અંગે ચર્ચા થઈ હતી. સાથે જ કોંગ્રેસમાં પાટીદારોના પ્રતિનિધિત્વ અંગે નારાજગી હોવાની ચર્ચા છે. ત્યારે કોંગ્રેસમાં પાટીદારો સમાજની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારે આ અંગે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠકને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં વિવિધ સમાજો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોય છે. જુદા-જુદા સમાજોનું પ્રતિનિધિત્વ કરતા પણ કોંગ્રેસની વિચારધારા સાથે મજબૂતીથી કામ કરતા પાટીદાર સમાજના આગેવાનો અનેક વખત મળી રહ્યા છે. જે સારી વાત છે. આ પાટીદાર આગેવાનો ભેગા થયા એમને હું અભિનંદન આપું છું. તમામ આગેવાનો સમાજની સાથે પક્ષ સાથે કામ કરતા આવ્યા છે. જે ખૂબ જ આવકારદાયક બાબત છે.
ડૉ. મનિષ દોશીએ આ અંગે જણાવ્યું કે રાજનીતિમાં આવનાર દરેક વ્યક્તિ અને સમાજને મહત્વાકાંક્ષા હોય છે. પક્ષ દરેક માપદંડ જોઈને જવાબદારી સોપતું હોય છે. ભૂતકાળમાં પણ પક્ષે પાટીદાર આગેવાનોને વધુ મહત્ત્વ આપ્યું હતું. પક્ષને માંગણી રજૂ કરવી અને રજૂઆત કરવી તે આવકાર દાયક બાબત છે.
સાથે જ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ આકરા પ્રહાર પણ કર્યા. તેમણે ભાજપપ પર પ્રહારો કરતા કહ્યું, ભાજપ પાટીદાર સમાજને વધુમાં વધુ નુકસાન કરી રહી છે. ભાજપનો ઇતિહાસ છે કે જે સમાજ તેને સૌથી વધુ મદદ કરે તેને ભાજપે નુકસાન કર્યું છે. ભાજપ દરેક સમાજના લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસ દરેક સમાજને ન્યાય આપીને જવાબદારી સોંપતું હોય છે.