રાજ્યના પાટનગરમાં બનતી દરેક ઘટનામાં ઈચ્છિત કાર્યવાહી માટે પોલીસ પર રાજકીય દબાણ સ્વાભાવિક છે. સામાન્ય રીતે કોઈ બનાવમાં એકાદ પક્ષને ‘ન્યાય’ અપાવવા કોઈ ધારાસભ્ય-મંત્રીનું દબાણ આવતું હોય છે, પરંતુ ન્યૂ ગાંધીનગરના ભાઈજીપુરા પાટિયા નજીક આવેલી સોસાયટીમાં મારા-મારીની ઘટનાએ રાજકીય હુંસાતુસીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
શ્રી રંગ સોસાયટીમાં મહિલા પીઆઈના પતિ અને સોસાયટીના સભ્યો વચ્ચે મારા-મારી બાદ આ મામલે સામ-સામે ફરિયાદો નોંધાઈ છે.
ગાંધીનગરના ભાઈજીપુરા પાસેની શ્રીરંગ હાઇટ્સ સોસાયટીમાં સીઆઈડી ક્રાઇમનાં મહિલા પીઆઈનાં પતિ અને સોસાયટીના સભ્યો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. નાની-મોટી તકરારોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સોસાયટીના પૂર્વ પ્રમુખ અંકિત પટેલે મહિલા પીઆઈનાં પતિ મયુરસિંહ જગદીશસિંહ વાઘેલા વિરુદ્ધ ધારિયાથી હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ઈન્ફોસિટી પોલીસ મથકે રવિવારે મહિલા પીઆઈનાં પતિ મયુરસિંહ જગદીશસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીનાં પત્ની પીઆઈ હોવાના કારણે શરૂઆતમાં પોલીસે આનાકાની કરી હતી, પરંતુ એક ધારાસભ્યનું દબાણ આવ્યું હતું. ધારાસભ્ય આ મામલાને સરકાર સુધી લઈ ગયા હતા, જેથી આખરે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મહિલા પીઆઈનાં પતિને પોલીસે આરોપી બનાવી દીધાં હોવાની જાણ થતાં અન્ય ધારાસભ્ય મેદાને આવ્યા હતા. તેમણે સોસાયટીના રહીશો સામે ગુનો દાખલ કરવા દબાણ કર્યું હતું. જેના પગલે ઈન્ફોસિટી પોલીસે અગાઉના કેસના ફરિયાદી અંકિત પટેલ સહિત 20 સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. મયૂરસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને 28મી સપ્ટેમ્બરે સોસાયટીના પૂર્વ પ્રમુખ અંકિત પટેલે ફોન કરીને અગાઉના ઝઘડાનાં સમાધાન અર્થે બોલાવ્યા હતા. જેથી તેઓ એકલા ગાડી લઈને સોસાયટીમાં ગયા હતા. એ વખતે અંકિત પટેલ સહિતના ટોળાએ લોખંડની પાઈપ, બેટ, ધોકા જેવા ઘાતક હથિયારો લઈને ઉભા હતા. અને મયુરસિંહ જેવા ગાડીમાંથી ઉતર્યાને ટોળું એકદમ ધસી ગયું હતું. બાદમાં ટોળાએ તમે દાદા થઇ ગયા છો તેમ કહી મયુરસિંહ પર હુમલો કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ હુમલાથી ગભરાઈને મયુરસિંહ ત્યાંથી ગાડી લઈને નીકળી જઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં હતાં. ઈન્ફોસિટી પોલીસે 20 જેટલા વસાહતીઓ સામે બીએનએસ એક્ટ 115(2),189(2),189(4), 190,352,351 (2),61,191(2),191(3) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધાઈ ગયા બાદ સોસાયટીનો આ વિવાદ વધારે ઉગ્ર બન્યો છે. બંને પક્ષ દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ આ કેસમાં ‘ન્યાયી’ કાર્યવાહી માટે રજૂઆતો થઈ છે. રાજકીય દબાણ ઉપરાંત વસાહતીઓની રૂબરૂ રજૂઆતોના પગલે સ્થાનિક પોલીસની કફોડી હાલત થઈ છે. અગાઉ અનેક કેસમાં પોલીસે રાજકીય દબાણને તાબે થવાનું પસંદ કરેલું છે, પરંતુ આ કિસ્સામાં બંને પક્ષે બળિયા નેતાઓ ભીડાઈ રહ્યા છે. જેના કારણે પોલીસનો ખો નીકળી રહ્યો છે.