ગુજરાત સહિત દેશભરમાંથી દરરોજ ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતમાં વડોદરા અને અમદાવાદમાંથી આવી રીતે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં વૃદ્ધો તથા મહિલાઓને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવતી ગેંગની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. અમદાવાદના એક સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બે કરોડનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડિજિટલ અરેસ્ટ કર્યા બાદ 1.26 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદના ચાર યુવકોની ધરપકડ કરી છે. ડિજિટલ અરેસ્ટથી બચવું મુશ્કેલ કાર્ય નથી. જો તમે થોડા પણ સજાગ અને જાગૃત હોવ તો સાયબર ગઠિયાઓ તમારું કોઈ નુકસાન નહીં કરી શકે.
ડિજિટલ અરેસ્ટ શું છે? જે વિષે તમને જણાવીએ, ડિજિટલ અરેસ્ટ એ બ્લેકમેલિંગની નવી મોડસ ઓપરેન્ડી છે. ડિજિટલ અરેસ્ટ કૌભાંડનો ભોગ એવા લોકો છે જેઓ શિક્ષિત અને સ્માર્ટ છે. ડિજિટલ અરેસ્ટનો સીધો અર્થ એ છે કે કોઈ તમને ઓનલાઈન ધમકાવી રહ્યું છે અને વીડિયો કોલિંગ દ્વારા તમારા પર નજર રાખી રહ્યું છે. ડિજિટલ અરેસ્ટ દરમિયાન, સાયબર ઠગ લોકોને ધમકાવવા અને તેમને પોતાનો શિકાર બનાવવા માટે નકલી પોલીસ અધિકારીઓ તરીકે તેમની ઓળખ આપે છે. આ સમય દરમિયાન, તેઓ લોકોને સતત વીડિયો કોલ પર રહેવા માટે કહે છે અને આ દરમિયાન તેઓ કેસ બંધ કરવા માટે પૈસા ટ્રાન્સફર પણ કરતા હોય છે. ડિજિટલ અરેસ્ટ મેસેજ અથવા તો ફોન કોલથી શરૂ થાય છે. મોટાભાગે જોવા મળ્યું છે કે, ડિજિટલ અરેસ્ટથી છેતરપિંડી કરનારાઓ લોકોને ફોન કરે છે અને કહે છે કે, તેઓ પોલીસ વિભાગ અથવા આવકવેરા વિભાગમાંથી વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, તમારા PAN અને આધારનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ ખરીદવામાં આવી છે અથવા મની લોન્ડરિંગ કરવામાં આવી છે. ઘણી વખત એવો પણ દાવો કરવામાં આવે છે કે તેઓ કસ્ટમ વિભાગમાંથી ફોન કરી રહ્યા છે અને તમારા નામે એક પાર્સલ આવ્યું છે, જેમાં ડ્રગ્સ અથવા પ્રતિબંધિત વસ્તુઓ છે. આ પછી તેઓ વીડિયો કોલ કરે છે અને સામે બેસવાનું કહે છે. આ સમયગાળા દરમિયાન, વાતચીત, મેસેજિંગ અથવા કોઈને મળવાની મંજૂરી નથી. આ દરમિયાન લોકો પાસેથી જામીનના નામે પૈસા પણ માંગવામાં આવે છે. આ રીતે, લોકો તેમના પોતાના ઘરોમાં ઓનલાઈન કેદ રહે છે અને તેને ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે.
ડિજિટલ અરેસ્ટ ટાળવાનો સરળ રસ્તો માહિતી છે. જો તમને આવા ધમકીભર્યા ફોન આવે છે તો તમારે ડરવાની જરૂર નથી. જો કોઈ તમને ફોન કરીને ધમકી આપે તો ગભરાશો નહીં પરંતુ હિંમતથી તેનો સામનો કરો. કારણ કે, જો તમે કોઈ પાર્સલ મંગાવ્યું નથી તો ડરવાની જરૂર નથી. જો તમને આવા ફોન આવે તો તરત જ પોલીસમાં ફરિયાદ કરો. જો કોઈ મેસેજ કે ઈ-મેલ આવે તો પુરાવા તરીકે પોલીસને આપો. જો કોઈ કારણસર તમને કોલ આવે અને કોઈ તમને વીડિયો કોલ પર ધમકાવવાનું શરૂ કરે, તો સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા વીડિયો કોલ રેકોર્ડ કરો અને ફરિયાદ કરો. કોઈપણ કિંમતે ડરશો નહીં અને પૈસા બિલકુલ પણ ટ્રાન્સફર કરશો નહીં.વડોદરામાં રહેતી મહિલાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી IPS રાકેશકુમાર તરીકેની ઓળખ આપી વીડિયો કોલ આવ્યો હતો. આ વીડિયોમાં ગઠિયાએ મહિલાને ચાર કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરી હતી અને મહિલા પર આરોપ મૂક્યો કે, તેણે ગેરકાયદેસર મુંબઈથી થાઇલેન્ડ પાર્સલ મોકલ્યું હતું. વડોદરામાં ડિજિટલ અરેસ્ટ કરી મહિલાને માનસિક ત્રાસ આપી અને તેના પતિને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ 1 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આ ડિજિટલ એરેસ્ટની ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.