નવી દિલ્હી,
જીએસટી માળખામાં ટેક્સ ચોરી-ગરબડ રોકવાની સાથોસાથ કરદાતાઓ માટે ટેક્સ પ્રક્રિયા સરળ બનાવવા માટે સમયાંતરે ફેરફાર થઇ જ રહ્યા છે. હવે 1લી નવેમ્બરથી નવી ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગૂ થશે. જે અંતર્ગત દરેકે દરેક બીલની ઓલનાઇન એન્ટ્રી ફરજીયાત થશે. આ સિસ્ટમથી કરદાતાઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નક્કી કરવામાં ઘણી સુવિધા રહેશે.
1લી નવેમ્બરથી લાગૂ થનારી નવી જીએસટી સિસ્ટમ હેઠળ દરેક બીલ, ઇનવોઇસ, ચલણની ઓનલાઇન એન્ટ્રી ફરજીયાત થશે અને તેના સ્વીકાર કે અસ્વીકારનો વિકલ્પ પણ આપવાનો રહેશે. જીએસટી કોમન પોર્ટલ પર આ પ્રક્રિયાને ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમનું નામ આપવામાં આવ્યું છે. નવી સિસ્ટમ વિશે નિષ્ણાંતોએ કરદાતાઓને સમજણ આપવાનું પણ શરુ કરી દીધું છે.
કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ સિસ્ટમ કરદાતાઓ માટે સુવિધારૂપ બની શકે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ નક્કી કરવામાં સરળતા મળશે. કાયદેસર અને વેરિફાઇડ આઇટીસી જ ઉપલબ્ધ બનશે અને ગેરરીતિ પર અંકુશ આવી શકશે. જો કે, સિસ્ટમ અમલી બન્યા બાદ તેના ઉપયોગ પછી જ કોઇ ખામી કે મુશ્કેલીઓનો અંદાજ મળી શકશે.
આ સિસ્ટમ હેઠળ સપ્લાયર પોતાના મુળ ચલણ અથવા રેકર્ડ જીએસટીઆર-વનમાં ફાઇલ કરશે અને ખરીદનારાને તે આઇએમએસમાં ઉપલબ્ધ બનશે અને તેના આધારે બીલ-ચલણની પ્રક્રિયા કરશે. ત્રણ પ્રકારે કાર્યવાહી કરવાની થશે.
બીલના સ્વીકાર પર આઇટીસી ઉપલબ્ધ બનશે. અને રીટર્ન ફોર્મ થ્રી-બીમાં આપોઆપ દાખલ થઇ જશે. બીલનો અસ્વીકાર થાય તે પેન્ડીંગ શ્રેણીમાં પહોંચી જશે અને આઇટીસી નહીં મળે.