ગાંધીનગર.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકા આઉટડોર પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લાગુ કરેલ આઉટડોર પોલિસીનું અમલીકરણ તા.01/01/2025 ના રોજથી શરું કરવામાં આવ્યું હતું . આ નવી પોલિસી અંતર્ગત, શહેરમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ હોર્ડીંગ્સને દૂર કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે.
આ પોલિસીના અમલીકરણના પ્રથમ જ દિવસે, 27 સ્થળોએ ગેરકાયદેસર હોર્ડીંગ્સ લગાડવામાં આવેલ હોય તેવા લોકોને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આ નોટિસ દ્વારા તેમને નોટિસ મળ્યેથી દિન-3માં હોર્ડીંગ દૂર કરવાની સુચના આપવામાં આવી છે. આ સૂચનાનું ઉલ્લંઘન કરનારાઓ સામે વહીવટી ચાર્જ વસૂલ કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર હોર્ડીંગ્સ શહેરની સુંદરતા બગાડે છે અને નાગરિકોની સુરક્ષાને ખતરો પહોંચાડી શકે છે.આ પોલિસી હેઠળ, ગેરકાયદેસર હોર્ડીંગ્સ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં ગેરકાયદેસર હોર્ડીંગ્સ સામે વધુ તીવ્ર કાર્યવાહી હાથ ધરશે. શહેરના તમામ વિસ્તારોમાં સતત દેખરેખ રાખીને ગેરકાયદેસર હોર્ડીંગ્સ શોધી કાઢવામાં આવશે અને તેમને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.