ગાંધીનગર
શહેરના નાગરિકોને પીવા માટે અપાતું પાણી શુદ્ધ મળી રહે અને રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શુદ્ધિકરણ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. તેમછતાં કેટલાક દિવસથી સેક્ટર- પમાં ડહોળું પાણી આવવાની ફરિયાદો ઉઠવા પામી છે. પાણીનો સપ્લાય પણ નિયત સમય પહેલા બંધ કરી દેવામાં આવતો હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. ડહોળા પાણીને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી સેક્ટર- પએમાં પાણીનો ફોર્સ સાવ ઘટી ગયો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે સાથે ડહોળું પાણી આવતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજ સવારે અપાતા પાણીના રૂટિન સપ્લાય પણ વહેલો એટલે કે ૮ વાગે જ બંધ થઈ જાય છે. સેક્ટરમાં ડહોળુ પાણી આવતા સ્થાનિક રહીશો પણ ચિંતામાં મુકાયા છે. સેક્ટરમાં પાણીના સપ્લાય તથા પાણીની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આવા સંજોગોમાં સ્થાનિકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થતાં રહિશોમાં રોપ ફેલાયો છે.