અમદાવાદ
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ બે દિવસથી મ્યુઝિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોની દશા અને દિશા બંને બગડેલા જોવા મળી રહ્યા છે. નમો સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્તમાં હાજર કોન્સ્ટેબલથી PSI કક્ષાના કર્મચારીઓને જમવાનું પીરસવામાં આવ્યું પરંતુ તે જમવાનું ખૂબ જ દુર્ગંધવાળું અને વાસી હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ IPS અધિકારીઓ તથા PI કક્ષાના અધિકારીઓએ સ્ટેડિયમની અંદર આવેલા VVIP લોંજમાં ગાલા ડિનરની મેજબાની માણી હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલરી સ્ટાફને પોલીસ વિભાગની કમર ગણવામાં આવે છે, પરંતુ આ કોન્સ્ટેબલરી કર્મીઓની કેવી દુર્દશા સ્ટેડિયમ બંદોબસ્તમાં થાય છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. કોન્સ્ટેબલરી સ્ટાફને નમો સ્ટેડિયમમાં બંદોબસ્ત દરમિયાન જે જમવાનું આપવામાં આવ્યું તે વાસી તથા દુર્ગંધ આવતી હોય તેવા ફૂડ પેકેટ પીરસવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં રથયાત્રા હોય કે પછી બીજી કોઈ મોટી ઇવેન્ટ હોય તેમાં કોન્સ્ટેબલરી સ્ટાફની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહેતી હોય છે. આવા સંજોગોમાં કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને સરકાર તરફથી જમવાનું આપવામાં આવે છે. પરંતુ આ જમવાનું એટલી નિમ્નકક્ષાનું હોય છે કે માણસ તો ઠીક પરંતુ જાનવર પણ તે ખાઈ શકતું નથી. આવું વાસી જમવાનું કોન્સ્ટેબલ અને PSI કક્ષાના પોલીસકર્મીઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપ્યું હોવાને પગલે પોલીસ બેડામાં ભારે રોષ અને નારજગી વ્યાપી છે. કેટલાક કોન્સ્ટેબલ કર્મચારીઓએ પોતાના સિનિયર અધિકારીઓને આ અંગે જાણ પણ કરી, પરંતુ સિનિયર અધિકારીઓએ તો ગાલા ડિનર અને હાઈફાઈ લંચથી પેટ ભરાઈ ગયું હોવાના કારણે તેઓના પેટનું પાણી પણ હલતું નથી. મહત્ત્વનું છે કે આ પ્રકારના બંદોબસ્તની વ્યવસ્થા અને પ્લાનિંગ એડમીન ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં એસી ચેમ્બરની અંદર બેસીને પ્લાનિંગ કરનારા IPS અધિકારીઓ અને તેમાંય ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચના મર્દ મુછાળા અધિકારીઓને પણ આ તમામ બાબતો અને પોલીસકર્મીઓને આપવામાં આવેલા લંચપેક વાસી હોવા અંગેની જાણ પણ થઈ છે, તેમ છતાં ક્રાઈમ બ્રાન્ચ અને એડમીન ડિપાર્ટમેન્ટનાં સિનિયર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં છે.
પોલીસ કર્મી સૌથી વધારે રાજ્યમાં કામ અને વર્ક કરી રહી છે, ક્યારેક ૧૨ કલાક અને ધણીવાર ૨૪ કલાક, સલામત સવારી ST અમારી તેમ સલામત ગુજરાત પોલીસની દેન છે, ત્યારે રાત્રી સુધી ફરજ બજાવતા કર્મીઓને વસી ભોજન બાદ બિમાર પડયા હોત તો? ઘણા લોકોએ વાસ ચાલતી હોવાથી ખાવાનું ટાળ્યું હતું.
