અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે વા.સા.હોસ્પિટલનું સને ૨૦૨૫-૨૬ના વર્ષનું કુલ રૂા. ૨૫૭.૯૯ કરોડનું અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે હાલ વી.એસ હોસ્પિટલના અંદાજપત્ર ઊપર એક નજર નાખીયે તો અંદાજપત્રનું ઉત્તરોતર કદ વધતું જાય છે અને સેવાઓનું કદ ઘટતું જાય છે તો પછી તે રકમ કયાં ખર્ચાય છે ? તે પ્રશ્ન બની રહેવા પામે છે જેથી સત્તાધારી ભાજપના રાજમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દી માટેની સેવા કથળી છે તે સ્પષ્ટ જણાઈ આવે છે.જેથી સત્તાધારી ભાજપને બજેટમાં સુધારા મુકવાનો અધિકાર ગુમાવી દીધો છે વી.એસ. હોસ્પિટલ ઠેર ઠેર જર્જરીત થઈ ગઈ હોવા છતાં સત્તાધીશો માત્ર વાહવાહી લુંટવા માટે માત્ર મોટી મોટી પોકળ જાહેરાતો જ કરે છે. સત્તાના નશામાં અંધ બનેલ ભાજપ વી.એસ.હોસ્પિટલમાં તા. ૨૭-૧૨-૨૦૧૮થી સુપર સ્પેશ્યાલીટી સેવા બંધ કરી કુલ ૧૨૦૦ બેડની વી.એસ.હોસ્પિટલને માત્ર ૫૦૦ બેડની કરી અને વી.એસ.બોર્ડને માત્ર ૧૨૦ બેડની સત્તા આપવામાં આવી તેમ છતાં બજેટમાં માત્ર બજેટબુકમાં પોકળ આંકડાઓ બતાવીને સત્તાધારી ભાજપ ગરીબો પ્રત્યે આર્ટીફીશીયલ્સ હમદર્દી બતાવે છે જે ભાજપ માટે શરમજનક બાબત છે. સને ૨૦૨૨-૨૩માં રૂા. ૧૭૩.૦૦ કરોડનું બજેટ સને ૨૦૨૩-૨૪માં રૂા.૧૮૪.૦૦ કરોડનું સને ૨૦૨૪-૨૫માં રૂા. ૨૬૧.૯૫ કરોડ મળી સને ૨૦૨૨-૨૩ થી સને ૨૦૨૪-૨૫ સુધીમાં વી.એસ. હોસ્પિટલ માટે કુલ રૂા.૬૧૮.૯૫ કરોડનું બજેટ બજેટ મંજુર કરાયેલ હોવા છતાં સત્તાધારી ભાજપ વી.એસ.હોસ્પિટલનું નવીનીકરણ કરવાની કોઈ કામગીરી કરી શકી નથી જે કડવી વાસ્તવિકતા છે આ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને સારી અને સસ્તી મેડીકલ સુવિધા મળી રહે તેવા હેતુથી ઉગ્ર રજુઆતો કરતાં સત્તાધારી ભાજપને વી.એસ.હોસ્પિટલને તેના મુળ સ્વરૂપે ફરી ચાલુ કરવાની ફરજ પડેલ અને તેના નવીનીકરણ કરવા માટેની કાર્યવાહી કરવી પડી પરંતુ તે કાર્યવાહી છેલ્લા ૩ વર્ષથી માત્ર કાગળ પર જ રહેવા પામેલ છે તે દિશામાં કોઈ નક્કર કામગીરી થઈ હોવાનું કે કામગીરી કરવા બાબતે અંદાજપત્રમાં તે બાબત ક્યાંય દ્રષ્ટિગોચર થતી નથી ગરીબ અને મધ્યમવર્ગના જરૂરિયાતમંદ લોકોને સારી સુવિધા મળતી નથી ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા સાથે વિશ્વાસધાત સમાન છે. ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડીકલ સારવાર મળી શકે માટે તેનું મુખ્ય કેન્દ્ર સુપર સ્પેશીયાલીટીની સગવડ સાથેની જનરલ હોસ્પીટલો હોય છે. વી.એસ. હોસ્પિટલમાં તબીબી સારવાર માટે આવતા દર્દીને સ્વસ્થ થઈને જવાની એક ઊંડી આશા હોય છે પરંતુ વી.એસ. હોસ્પિટલમાં પુરતી સારી સારવાર નહી મળવાથી દર્દી નિરાશ થાય છે અને નિસાસા નાખે છે. જેથી વી.એસ. હોસ્પિટલમાં સુપર સ્પેશીયાલીટીની સગવડ હોવી માત્ર જરૂરી જ નહી. પરંતુ અનિવાર્ય પણ બની જાય છે. સાથે સાથે વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ ની વાતો માત્ર બજેટ બુકમાં જ ના રહે તે માટે નક્કર કામગીરી તાકીદે હાથ ધરાય તે માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા માંગણી છે.

