પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

Spread the love

મહાકુંભના સેક્ટર ૬ સ્થિત ગુજરાત પેવેલિયનમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત

કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો

બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકો

 

ગાંધીનગર

તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઉભી કરાયેલી કાફેટેરિયામાં ગુજરાતી વ્યંજનો બનાવવા અને પીરસવાની જવાબદારી ગુજરાતથી ગયેલી વિવિધ સખી મંડળની બહેનોને સોંપવામાં આવી છે. વિશેષ વાત તો એ છે કે, આ કાફેટેરિયામાં બનતા ગાંઠિયા અને કાઠિયાવાડી થાળીનો ચટકો અન્ય રાજયના સ્વાદરસિયાઓને પણ લાગ્યો છે. પ્રયાગરાજમાં ગંગા નદીના વિશાળ પટમાં ઉભી કરવામાં આવેલા કુંભ મેળાના અલાયદા નગરમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સેક્ટર-૬માં ભારદ્રાજ નગર પાસે એક વિશાળ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. અહીં યાત્રિકોને સાવ નજીવા દરે ઉતારો આપવામાં આવે છે. યાત્રાળુંઓની સુવિધાના ધ્યાને રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા ૨૯૫ પથારીની સુવિધા સાથેનો ડોમ ઉદઘાટિત કર્યો છે. ગુજરાત પેવેલિયનથી સંગમ સ્થાન માત્ર ચારેક કિલોમિટરના અંતરે છે. નાગવાસુકી મંદિરના રસ્તેથી સરળતાથી સંગમ સ્થાને જઈ શકાય છે. આ બાબતને ધ્યાને રાખી ગુજરાત પ્રવાસન નિગમનું પેવેલિયન લોકપ્રિય બન્યું છે. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સુવિધાના યાત્રીઓને પણ અહીં ઉતારવામાં આવે છે. ગુજરાત પેવેલિયનમાં રાજ્યના પ્રવાસન સ્થળોના નિદર્શન સાથે એક વિશેષ વાત એ ધ્યાને પડે છે કે, અહીં સખી મંડળની બહેનો દ્વારા કાફેટેરિયા ચલાવવામાં આવી રહ્યો છે. આ કાફેટેરિયામાં ચાકોફી ઉપરાંત ઉત્તર ગુજરાતના રોટલા સાથે કાઠિયાવાડી થાળી અને સૌરાષ્ટ્રના ગાંઠિયા પણ મળે છે. ગુજરાતી હોય એટલે સ્વાદમાં કોઇ કમી ના રહેવી જોઈએ! એટલું જ નહીં, થેપલા પણ મળે છે બોલો ! પ્રયાગરાજથી પરત ફરતી વેળાએ ભાથામાં થેપલા લઈ જવા અહીં સખી મંડળની બહેનોને ઓર્ડર આપવામાં આવે છે. મહેસાણાથી અહીં આવેલા શિવ મિશન મંગલમ્ નામક સખી મંડળના જલ્પાબેન ઠાકોરના હાથથી બનેલા બાજરાના રોટલાનો સ્વાદ તો બિનગુજરાતીઓને પણ લાગ્યો છે. જલ્પાબેન અને તેમના પતિ રાહુલભાઈએ અહીં સ્ટોલ લગાવ્યો છે અને સાવ સસ્તા દરે રોટલા સાથે કાઠિયાવાડી, ગુજરાતી થાળી જમાડે છે. જલ્પાબેનના હાથે વાઘારેલા શાક અને મસળી મસળી બનાવેલા કડક રોટલા થોડા સમયમાં જ અહીં લોકપ્રિય બની ગયા છે. બીજા રાજ્યના લોકો પણ અહીં કાઠિયાવાડી થાળી જમવા આવે છે. આ યુગલ પ્રતિદિન સાતથી આઠ હજારની કમાણી આસાનીથી કરી લે છે. ગુજરાત પૈવેલિયન ગાંઠિયાવાડ પણ બન્યું છે. અહીં જૂનાગઢથી આવેલા રાધે મંગલમ્ જૂથના બહેન વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબી પ્રવાસીઓને ખવડાવી રહ્યા છે. ગુજરાતથી થયેલા યાત્રાળુંઓને ગુજરાત બહાર હોવાનો બિલ્કુલ અહેસાસ ના થાય એવો માહોલ આ પેવેલિયનમાં છે. જો તમે મહાકુંભમાં જતા હો તો સેક્ટર-૬માં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત અચૂક લેવા જેવી છે. સામાન્ય સંજોગોમાં ફાંફાંમઉથી કાર સાથે અહીં સુધી પહોંચી શકાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *