વડોદરા
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સ્થાપિત ડો. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સના ત્રીજી બેચનું ઉદ્ઘાટન સોમવારે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ યુનિવર્સિટીના વડોદરા સ્થિત કુંઢેલા સ્થાયી પરિસરમાં યોજાયો હતો. રજિસ્ટ્રાર (ઈન્ચાર્જ) પ્રો. મનીષે યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સની પ્રગતિ વિશે માહિતી આપી હતી. કેન્દ્રના નોડલ અધિકારી પ્રો. રાજેશ મકવાણાએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રની પ્રગતિ વિશે જણાવ્યું હતુ કે કેન્દ્ર ઓક્ટોબર ૨૦૨૨ થી યુનિવર્સિટીમાં કાર્યરત છે. કેન્દ્રમાં અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગની સાથે વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી સમુદાયના વિદ્યાર્થીઓને UPSCની પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની સાથે GPSCની પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે.
સિદ્ધાર્થ યુનિવર્સિટી, કપિલવસ્તુના કુલપતિ અને કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ પ્રો.કવિતા શાહે સર્વગ્રાહી શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે કેન્દ્રના તમામ ઉમેદવારોએ ડો. આંબેડકરની જેમ આગળ વધવું પડશે. તેમણે દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાના અધિકાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ એક સાધન છે જે સ્વયંને શુદ્ધ કરવા માટે છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડો. ઓમ પ્રકાશ પાંડેએ કહ્યું કે ડો. આંબેડકર એક કુશળ દશનિક અને રાજનેતા હતા. આધુનિક કાળમાં એવો કોઈ દાર્શનિક અને રાજનેતા નથી, જેમણે સૌથી વધુ પુસ્તકોનો અભ્યાસ કરીને ભારતને સમજ્યા હોય. તેમણે સમાજની સ્થિતિ અને પીડા જોઈને સંકલ્પ કર્યો અને તેના ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમણે કહ્યું કે સફળતા માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ.
આ દરમિયાન કેન્દ્રની પ્રગતિ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રના શિક્ષક અભિષેક વડાદરિયા સહિત સફળતા પ્રાપ્ત તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. આંબેડકર અને મહામના માલવિયાનું વડોદરા સાથે જૂનો નાતો હતો પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ ડો. ભીમરાવ આંબેડકર અને મહામના પં. મદન મોહન માલવિયાનું વડોદરા સાથે જૂનો સંબંધ હોવા વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં લાઈબ્રેરી નિર્માણ માટે ડો. આંબેડકરે જ મહામનાને આર્થિક મદદ માટે બરોડા મહારાજને મળવાની વાત કરી હતી, ત્યારબાદ પુસ્તકાલય નિર્માણ માટે આર્થિક સહાય આપવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે ડો. આંબેડકર મહાન રાષ્ટ્રવાદી વ્યક્તિત્વના ધરાવતા હતા. તેમણે હંમેશા કહ્યું કે શીલ વગરનું શિક્ષણ અધૂરું છે. શિક્ષણ દ્વારા જ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને આંબેડકરના બતાવેલા માર્ગ પર આગળ વધવાની વાત કરી હતી.