ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાયી સમિતીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૩૭૧ કરોડની ગ્રાન્ટ માટે ગુજરાત શહેરી વિકાસ કમિશનને દરખાસ્ત મોકલવાની મંજૂરી આપી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં નભોઈ, રાંધેજા, કોલવડા, પૈયાપુર, ઝુંડાલ, કોબા, રાયસણ, રાંદેસણ, કુડાસણ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટની કુલ અંદાજિત રકમ ૩૭૧.૮૪ કરોડ છે, જેમાંથી ૩૬૧.૩૪ કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નભોઈમાં લિફ્ટ સ્ટેશન અને એસટીપી, રાંધેજા ટીપી-૨૪માં પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ નેટવર્ક, કોલવડામાં ૩ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગુડા વિસ્તારમાં ડ્રેનેજ અને વોટર નેટવર્ક, સરગાસણ ટીપી-૨૮માં નવું ડ્રેનેજ નેટવર્ક વિકસાવવામાં આવશે. વધુમાં, કોબા, રાયસણ અને રાંદેસણમાં વરસાદી પાણીની લાઈન, ઝુંડાલ લેક સુધી સ્ટોર્મ વોટર નેટવર્ક તેમજ સેક્ટર ૧થી ૩૦ અને સાત ગામડાઓમાં ૧૨.૭૪ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું આયોજન છે. આ તમામ કામગીરીથી શહેરની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.