વલસાડ
ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બકરાની તકરારમાં થયેલી હત્યાના કેસમાં બે આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસની વિગતો મુજબ, 20 ઓગસ્ટ 2015ના રોજ ધરમપુરના જામનપાડા વિસ્તારમાં એક બકરાની તકરારે હિંસક સ્વરૂપ લીધું હતું. ઘટના મુજબ, ખેડૂત રમેશભાઈના ચોળીના ખેતરમાં તેમના કાકા બકરા લઈને આવ્યા હતા. પાક બગડતા રમેશભાઈએ બકરાને પથ્થર માર્યો, જેથી બકરાનું મૃત્યુ થયું. આ બાબતની અદાવત રાખીને કેટલાક લોકોએ રમેશભાઈ અને તેમના પિતા જાનુભાઈ પર લાકડાના ફટકાથી હુમલો કર્યો. ગંભીર ઈજાઓને કારણે જાનુભાઈનું 21 ઓગસ્ટ 2015ના રોજ સુરતની હોસ્પિટલમાં મૃત્યુ થયું. એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિર્ઝાએ DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને છોટુભાઈ બાબલુભાઈ બોબા અને ભાયલભાઈ બાબલુભાઈ બોબાને IPC કલમ 304(2) હેઠળ દોષી ઠેરવ્યા. બંને આરોપીઓને સાત વર્ષની કેદ અને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય ત્રણ આરોપીઓ – લક્ષુભાઇ દેવજીભાઈ વળવી, લીલાબેન ધીરુભાઈ વળવી અને ગીતાબેન લક્ષુભાઇ વળવીને IPC કલમ 323 સાથે 114 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા. તેમને ત્રણ માસની કેદ અને રૂ. 1,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ દસ દિવસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.