નર્મદાના 8 વર્ષીય બાળકને મળ્યું નવું જીવન

Spread the love

નર્મદાના 8 વર્ષીય બાળકને મળ્યું નવું જીવન:

યુ.એન.મહેતા હોસ્પિટલમાં RBSK યોજના હેઠળ વિનામૂલ્યે હૃદયનું સફળ ઓપરેશન

નર્મદા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામના નીલ વસાવાનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ-RBSK અંતર્ગત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. શાળા આરોગ્ય તપાસણી દરમિયાન RBSK ટીમને નીલને હૃદયની તકલીફ હોવાનું જણાયું હતું. બાળકની માતા કલાવતીબેન વસાવાએ જણાવ્યું કે, ઓપરેશન પહેલા નીલને ધબકારા વધી જવા, યાદશક્તિ ઓછી થવી જેવી સમસ્યાઓ હતી. વળી, ઉંમર પ્રમાણે તેનું વજન અને ઊંચાઈ પણ ઓછા હતા. RBSK અંતર્ગત કામ કરતા મેડિકલ ઓફિસર ડો.તેજલ વસાવાએ જણાવ્યું હતુ કે, આ બાળકને શ્વાસોશ્વાસમાં મુશકેલી અને હાફ ચઢી જવાની સમસ્યા જણાઈ જેમાં અમને હૃદય સંબધિત તકલીફનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું હતું. આ બાળકને વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરી પિડીયાટ્રીશન પાસે તપાસ કરાવતા ખ્યાલ આવ્યો કે, હદય સંબધિત તકલીફ ચોક્કસપણે છે. તેથી વધુ રીપોર્ટસ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા અને ત્યાં રિપોર્ટસમાં ખબર પડી કે આ બાળકને ખરેખર હૃદયની ગંભીર તકલીફ છે.

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મંજુરી પ્રાપ્ત સંદર્ભ કાર્ડ સાથે યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર અને ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા. જ્યાં સફળતાપૂર્વક વિનામૂલ્ય હૃદયનું ઓપરેશન થયુ છે અને હાલ બાળક તંદુરસ્ત જોવા મળે છે.  20 ડિસેમ્બર 2014ના રોજ જન્મેલા નીલનું 8 નવેમ્બર 2024ના રોજ સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આર્થિક રીતે નબળા પરિવાર માટે સરકારી યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ બાળકનું RBSK ટીમ દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવે છે. હૃદયના સફળ ઓપરેશન બાદ બાળકને હવે કોઈ તકલીફ નથી થતી, તે રમી પણ શકે છે અને દોડી પણ શકે છે.  નર્મદા જિલ્લામાં વર્ષ 2024-25માં 1.37 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાં 18 બાળકોના હૃદયના ઓપરેશન, 4 બાળકોના બધિરતાના ઓપરેશન અને એક બાળકનું મોતિયાનું ઓપરેશન સફળ રહ્યા છે. આ ઉપરાંત, 19 બાળકોમાં હોઠ ફાટેલા હોવાનું જણાયું, જેમાંથી 8ના ઓપરેશન સફળ થયા છે. કલબ ફૂટના 26, ડાયાબિટીસના 14 અને અન્ય બીમારીના 47 બાળકોની સારવાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *