ડભોઈમાં બોલેરો-બાઇકના અકસ્માતમાં 3નાં મોત,
પોલીસકર્મી સહિત 3 મિત્ર લગ્નપ્રસંગે કવાંટ ગયા હતા,
અકસ્માતમાં બોલેરોચાલક પણ ઈજાગ્રસ્ત; સારવાર માટે દાખલ કરાયો

વડોદરા
વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3 વ્યક્તિનાં મોત થયાં છે, જેમાં બેનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું એસએસજી હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માત સર્જનાર બોલેરોચાલક પણ ઇજાગ્રસ્ત થતાં છોટાઉદેપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ પિકઅપ બોલેરોમાં જેટલા લોકો હતા અને કેટલા ઇજાગ્રસ્ત થયા છે એની તપાસ શરૂ કરી છે. લગ્નપ્રસંગ અર્થે 3 મિત્ર કવાંટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસકર્મી મુકેશ સનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે. અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંહ રાઠવા તેમજ હરેશ રામસિંહ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત થયું હતું. મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રે પીએસઆઇની પરીક્ષા આપી હોવાની વિગત મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકનાં નામ
- મુકેશ સનાભાઈ રાઠવા, મૂળ રહે. તુરખેડા, જિલ્લો છોટાઉદેપુર
- સુરેશ નેરસિંહ રાઠવા, મૂળ રહે. કનલવા, જિલ્લો છોટાઉદેપુર
- હરેશ રામસિંહ રાઠવા, મૂળ રહે. કનલવા, જિલ્લો છોટાઉદેપુર