ગ્રાહક ફોરમમાં જુનિયર ક્લાર્કની ભરતી HCમાં અરજીથી પેન્ડીંગ

Spread the love

ગ્રાહક ફોરમમાં જુનિયર ક્લાર્કની ભરતી HCમાં અરજીથી પેન્ડીંગ:

આસિસ્ટન્ટ ડિરેક્ટરની પોસ્ટ માટે GPSC એ ઇન્ટરવ્યુ લઇ ભલામણ રાજ્ય સરકારને મોકલી,

સ્ટેનોની મુખ્ય પરીક્ષા 29 એપ્રિલે

 

અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાના ગ્રાહક કોર્ટ પ્રેક્ટિસનર એસોસિએશને એડવોકેટ જીતેન્દ્ર મલકાન અને એડવોકેટ રાજેન્દ્ર પ્રસાદ દ્વિવેદી મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આવેલ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને સાથે જ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રેસિડેન્ટ, મેમ્બર્સ તેમજ સહાયક સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ ભરવા કોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે એવી માંગ કરવામાં આવી છે. જેની ઉપર ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે.

ગ્રાહક ફોરમમાં ભરતીઓ પર 4 જુલાઈના રોજ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો આજે સરકારી વકીલે એફિડેવિટમાંથી જણાવ્યું હતું કે, આસિસ્ટન્ટ ડિરેક્ટરની 1 જગ્યા માટે GPSC એ ઇન્ટરવ્યુ લઈને રાજ્યને પસંદગી પામેલ નામ મોકલી આપેલ છે. સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની પ્રિલિમ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી. જેની મુખ્ય પરીક્ષા 29 એપ્રિલના રોજ યોજાશે. સ્ટેનોગ્રાફરની એપોઇન્ટમેન્ટ આપતા હજી 3 મહિના જેટલો સમય વીતશે. સિનિયર કલાર્કની ભરતીનું ગઈકાલે પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા વર્ષ 2024માં લેવામાં આવી હતી પરંતુ, તેમ હાઇકોર્ટમાં કેસ થતા ભરતી પેન્ડિંગ છે. હાઇકોર્ટે આ અરજી ઉપર જલ્દી કાર્યવાહી હાથ ધરવાના આદેશ સાથે ગ્રાહક ફોરમમાં ભરતીઓ ઉપર 4 જુલાઈના રોજ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.

ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં મેમ્બર્સની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ ગત સુનવણીમાં સરકારે એફિડેવિટમાંથી જણાવ્યુ હતું કે જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની 25 સેક્શન પોસ્ટ પૈકી ખાલી પડેલી 15 જગ્યાઓમાથી 14 પોસ્ટ પ્રમોશનથી ભરાઈ ગઈ છે. 1 પોસ્ટ સીધી ભરતીથી ભરવા GPSCને જાણ કરાઇ છે. તેનો ચાર્જ અન્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર જિલ્લા કમિશનરને સોંપાયો છે. ગ્રાહક કમિશનોમાં 45 જુનિયર અને 13 સિનિયર ક્લાર્કની ભરતી કરવા GPSSBને જણાવાયુ હતું. જેની ટાઇમલાઈન મુજબ ભરતી એપ્રિલ, 2025માં પૂર્ણ થઈ જશે. ગ્રાહક કમિશનમાં ભવિષ્યની ભરતી માટે ચાલુ વર્ષે જાહેરાત બહાર પડશે, જે ભરતી ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થશે. રાજ્યમાં 39 જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો છે, જ્યારે સામે ફક્ત 25 આસિસ્ટન્ટ ડિરેક્ટરોની પોસ્ટ સેક્શન કરાઈ છે એટલે બાકી 14 પોસ્ટ માટે બજેટમાં પ્રપોઝલ મૂકવામાં આવશે. જ્યારે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં મેમ્બર્સની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે.

ગ્રાહક તકરાર નિવારણ કમિશનોમાં 50 ટકા જેટલી જગ્યાઓ ખાલી અગાઉ આ અરજીની સુનાવણીમાં અરજદારે જણાવ્યું હતું કે, આ ભરતી સંલગ્ન કોર્ટના ફાયદામાં પણ છે. તંત્ર પંગુ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશનોમાં પ્રેસિડેન્ટની નિમણૂક કરવામાં જ પ્રક્રિયા હાથ ધરાયા બાદ 3થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આ ગ્રાહક તકરાર નિવારણ કમિશનોમાં 50 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનોમાં 49 જેટલા મેમ્બર્સ અને 20 જેટલા પ્રેસિડેન્ટની જગ્યાઓ ખાલી છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રેસિડન્ટની જગ્યા ખાલી છે. 4 એપ્રિલ, 2024ના રોજ RTI દ્વારા ઉપરોક્ત ખાલી જગ્યાઓ અંગે માહિતી મેળવાઈ છે.

અરજદારે અગાઉ જણાવ્યું હતું કે, અલ્હાબાદ અને કેરાલા હાઈકોર્ટ દ્વારા વચગાળાનું અરેંજમેન્ટ કરીને જે લોકો પદ ઉપર છે, તેમને ચાલુ રખાયા છે. સરકારે માહિતી આપી હતી કે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 1 પ્રેસિડેન્ટ, 2 જ્યુડીશિયલ મેમ્બર્સ અને 1 નોન જ્યુડીશિયલ મેમ્બર એમ કુલ 4 જગ્યાઓ ખાલી છે.

આસિસ્ટન્ટ ડિરેક્ટરની 15 જગ્યાઓ વર્ષ 2022થી ખાલી હાઇકોર્ટે રાજ્ય સરકારના સંલગ્ન વિભાગના સેક્રેટરીને આ મુદ્દે એક અઠવાડિયામાં આ જગ્યાઓ ભરવા શું પગલાં લીધા? તે જણાવવા એફિડેવિટ ઉપર આપવા હુકમ કર્યો હતો. કોર્ટને જણાવાયુ હતું કે, ગ્રાહક ફોરમમાં સપોર્ટ સ્ટાફની જગ્યાઓ ભરવાની બાકી છે. ભરતી પ્રક્રિયા પ્રોસેસમાં છે. અત્યારે આઉટસોર્સિંગથી કામ ચાલી રહ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ભરતી પ્રક્રિયાનું કામ સોપાયું છે. આસિસ્ટન્ટ ડિરેક્ટરની 25 જગ્યાઓમાંથી 15 જગ્યાઓ વર્ષ 2022 થી ખાલી છે. જેનો ચાર્જ ડેપ્યુટી સેક્શન ઓફિસરને સોંપવામાં આવ્યો છે. જેથી કોર્ટે કટાક્ષમાં પ્રશ્ન કર્યો હતો કે કાલે ઊઠીને સરકાર વર્ગ 4 ના કર્મચારીઓને પણ તેનો ચાર્જ આપશે ? બે વર્ષથી ઉપરોક્ત જગ્યા ઉપર ભરતી થઈ નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *