RMCની સ્ટેન્ડિંગ બેઠકમાં 117 કરોડની 32 દરખાસ્તો મંજૂર:
3 લાખથી વધુ લોકોને સાઉથ ઝોન કચેરીનો ફાયદો થશે;
વોર્ડ નંબર 17માં 23 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનશે

રાજકોટ
આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રાજકોટના વોર્ડ નંબર 15, 16, 17 અને 18ના 3 લાખથી વધુ રહેવાસીઓને કોઈ પણ કામ માટે ઇસ્ટ ઝોન કે સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નવા સાઉથ ઝોન કચેરી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે જેનો કુલ ખર્ચ 29 કરોડ રૂપિયા થશે.
આજની બેઠકમાં તમામ 18 વોર્ડની અંદર વિકાસ કામોની અલગ અલગ 32 દરખાસ્તો મુકવામાં આવી હતી. જેમાં ચર્ચા વિચારણા બાદ કુલ 117 કરોડની 32 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. એટલું જ નહિ આ સાથે આ વિસ્તારના લોકોને પણ રમત ગમત ક્ષેત્રે લાભ મળે તે માટે 23 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવા મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક પહેલા મળેલ સંકલન બેઠકમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલE 26 લોકો તેમજ સિટીબસ અકસ્માતમાં મૃત્યુ પામેલ 4 લોકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં તમામ 18 વોર્ડના સતવંગી વિકાસ માટે અલગ અલગ દરખાસ્તો મુકવામાં આવી હતી. આજની આ બેઠકમાં કુલ 117 કરોડની કિંમતના વિકાસ કામો માટેની દરખાસ્તો મુકવામાં આવી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આજની બેઠકની મહત્ત્વની કહી શકાય એવી દરખાસ્તમાં રાજકોટ મનપાની નવી એક ઝોનલ કચેરી બનાવવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં નવા દક્ષિણ ઝોન કચેરી બનાવવા જાહેરાત કરવામાં આવી હતી. આજે આ દરખાસ્ત મંજૂર થતા આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરી લગભગ દોઢથી બે વર્ષના સમય દરમિયાન આ કામગીરી પૂર્ણ કરી દક્ષિણ ઝોન કચેરી લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. આ નવી કચેરી શરૂ થતાની સાથે જ થોરાળા, કોઠારીયા, રણુજા વિસ્તાર, હસનવાડી, સહકારનગર, વાલ્કેશ્વર, ન્યુ થોરાળા, સ્વાતિ પાર્ક, ખોડલધામ, સોરઠીયાવાડી, હુડકો, દૂધની ડેરી વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, નીલકંઠ પાર્ક, સહીત 100થી વધુ સોસાયટીના લોકોને સીધો ફાયદો થશે.
આ નવી દક્ષિણ ઝોન કચેરીમાં બેઝમેન્ટ પાર્કિંગ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ સુવિધા ઉપરાંત 3 માળની કચેરી તૈયાર કરવામાં આવશે. આ કચેરીમાં વિશાળ પાર્કિંગ એરિયા, સિક્યોરિટી કેબીન, ફાયર વિભાગની કેબીન, 500 લોકોની કેપેસીટી ધરાવતા 2 કોન્ફોરન્સ હોલ સહિતની સુવિધા રહેશે. આ કચેરી ખાતે પણ ટેક્સ, હેલ્થ, એસ્ટેટ, વોટર વર્કસ, બાંધકામ, ટાઉન પ્લાનર, આધાર કાર્ડ, તેમજ સિવિક સેન્ટર સહિતના તમામ વિભાગોની કચેરી ફાળવવામાં આવશે અને ડેપ્યુટી કમિશનર માટેની એક ચેમ્બર પણ અહીંયા બનાવવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નં.17માં પારડી મેઇન રોડ પર રણછોડદાસ કોમ્યુનિટી હોલની બાજુમાં રૂ.23 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. આ માટે દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. સ્પોર્ટસ સંકુલના નિર્માણ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ ટેન્ડર પ્રક્રિયામાં ઇ-ટેન્ડર મારફતે ભાવો મંગાવવામાં આવ્યા હતા. જેમાં આશીષ કન્સ્ટ્રકશન,વિનય ઇન્ફ્રાટેક, ગુરૂકૃપા કન્સ્ટ્રકશન અને મે.એસ.એમ.સેલડીયા, એજન્સી દ્વારા પ્રાઇઝબીડ મોકલવામાં આવી હતી.
આ એજન્સીઓ પૈકી મે.એસ.એમ.સેલડીયા એજન્સી ડીસક્વોલીફાય થયેલી એજન્સી છે. જેમાં આશીષ કન્સ. દ્વારા 2.70 ટકા ઓછા, વિનય ઇન્ફ્રાટેક પ્રા.લી. દ્વારા 1.38 ટકા ઓછા અને ગુરૂકૃપા કન્સ. દ્વારા 1.11 ટકા ઓછા ભાવ રજૂ થયા હતા. આશીષ કન્સ. કંપની દ્વારા એસ્ટીમેટ કરતા 2.70 ટકા ઓછા ભાવ રજૂ થયેલ હોવાથી ટેન્ડર મૂલ્યાંકન કમિટીના અભિપ્રાય મુજબ આવતીકાલે સ્ટે.કમિટીમાં આ એજન્સીને કામ સોંપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્પોર્ટસ સંકુલના પ્રોજેકટમાં અંદાજીત 8102 ચો.મી. એરીયામાં ગ્રાઉન્ડ ફલોરમાં કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ગાર્ડન, જીમ, ફિઝીયોથેરાપી રૂમ, એડમીન, યુટીલીટી, જનરલ લોબી, વેઇટીંગ એરીયા, સર્વિસ રૂમનું નિર્માણ કરાશે. જયારે ફર્સ્ટ ફલોર ઉપર કોમ્બેકટ ગેમ્સ અને સર્વિસ રૂમ, ટોયલેટ, લીફટ, જનરલ જીમ, ગાર્ડન, બેડમિન્ટન, કુસ્તી સ્પર્ધા, ઇન્ડોર ગેમ્સ, ફિઝીયોથેરાપી રૂમ, એડમીન, બોકસીંગ રીંગની સુવિધા ઉપલબ્ધ કરાશે.