વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક

Spread the love

વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક:

6 તાલુકા અને 5 પાલિકામાં 492 વિકાસ કામો માટે 8.75 કરોડની ફાળવણી

વલસાડ

વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 25 એપ્રિલે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના 6 તાલુકામાં વિકાસલક્ષી કામો માટે 15 ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. 7.50 કરોડ અને 5 ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. 25 લાખની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાની પાંચ નગરપાલિકાઓ માટે રૂ. 1 કરોડની જોગવાઈ કરાઈ છે.

તાલુકાવાર ફાળવણીમાં ધરમપુર તાલુકામાં 94 કામો માટે રૂ. 1.49 કરોડ, કપરાડામાં 118 કામો માટે રૂ. 1.50 કરોડ, પારડીમાં 86 કામો માટે રૂ. 1.24 કરોડ, ઉમરગામમાં 72 કામો માટે રૂ. 1.24 કરોડ, વાપીમાં 34 કામો માટે રૂ. 1 કરોડ અને વલસાડમાં 79 કામો માટે રૂ. 1.24 કરોડની જોગવાઈ કરાઈ છે.

આ કામોમાં ગ્રામ્ય વિસ્તારમાં ડામર રસ્તા, પેવર બ્લોક રસ્તા, સીસી રસ્તા, પ્રાથમિક શિક્ષણ, પોષણ, પાણી પુરવઠા, ગ્રામ્ય વીજળીકરણ અને ગંદા-વસવાટોની સુધારણાનો સમાવેશ થાય છે. વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર નગરપાલિકાઓમાં 9 વિકાસ કામો માટે રૂ. 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બેઠકમાં વર્ષ 2025-26નું આયોજન મંજૂર કરાયું અને બક્ષી પંચ યોજના હેઠળ રૂ. 5 લાખના કામોની દરખાસ્તને મંજૂરી અપાઈ. મંત્રીએ બાકી રહેલા કામો સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે તમામ ગામોનો વિકાસ થાય તે મુજબ આયોજન કરવા સૂચન કર્યુ હતું. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉનાળામાં પાણીની તંગી માટે જે ગામોમાં સમસ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી લોકોને પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. કલેકટરએ દરેક તાલુકામાં બાકી રહેલા કામો અંગે રિવ્યુ મીટિંગ કરવા સૂચન કર્યુ હતું.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મિનાક્ષીબેન ગાંગોડા, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોના સર્વ પ્રમુખઓ, નગરપાલિકાના પ્રમુખઓ, નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હા, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક લોકેશ ભારદ્વાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ અને જિલ્લા આયોજન અધિકારી ભરત પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *