
નવસારી
નવસારી જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત અબ્રામા ગામની જી.આઇ.ડી.સી એન્જીનીયરીંગ કોલેજમાં એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિશ્વ મેલેરિયા દિન 2025ની થીમ “મેલેરિયાનો અંત આપણાથી: પુન:રોકાણ કરો, પુન:કલ્પના કરો, પુન: જાગૃત કરો” પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓની માહિતી ઓડિયો-વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. મચ્છર, મચ્છરના પોરાં અને પોરાભક્ષક ગપ્પી માછલીઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું હતું.
આંકડાકીય માહિતી મુજબ, ગુજરાતમાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2015માં રાજ્યમાં 41,566 કેસો હતા, જે 2024માં ઘટીને 4,365 થયા. નવસારી જિલ્લામાં 2015માં 1,026 કેસોથી ઘટીને 2024માં માત્ર 52 કેસો નોંધાયા હતા.
આરોગ્ય વિભાગે ઝડપી નિદાન, સંપૂર્ણ સારવાર અને નવીનતમ જંતુનાશક તકનીકોનો ઉપયોગ કર્યો છે. 2027 સુધીમાં ગુજરાતને મેલેરિયામુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે જનસમુદાયનો સહયોગ અત્યંત આવશ્યક છે. કાર્યક્રમમાં ડૉ. રાજેન્દ્ર રંગુનવાલા, ડૉ. મયંક ચૌધરી, ડૉ. રાજેષ પટેલ, ડૉ. ભાવેશ પટેલ સહિત વિવિધ આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આશા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.