
વડોદરા શહેરના સમા ભરવાડ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પટમાં ચાલી રહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં ગૃહમંત્રીએ પાલિકાએ 45 દિવસમાં જ 50 ટકા કામગીરી પૂર્ણ કરી અને 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે એવુ જણાવ્યું હતું. જોકે, પૂર્વ વિપક્ષી નેતાએ રાજ્યના ગૃહમંત્રીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત 50 ટકા પૂરી થઇ ગઇ હોવાની કરેલી જાહેરાત સામે ખુલ્લા પત્ર દ્વારા સવાલો ઉઠાવ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું છે.

આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેઓની સાથે મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી, વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય કેયુર રોકડીયા, યોગેશ પટેલ સહિત ભાજપાના અગ્રણીઓ, પાલિકાના અધિકારીઓ જોડાયા હતા. વિશ્વામિત્રી નદી પટમાં ચાલી રહેલી કામગીરી સ્થળે પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ભારે વરસાદને કારણે વડોદરાને ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લઇ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પૈસા ફાળવી દીધા હતા અને તે બાદ વડોદરા શહેરમાં પુનઃ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વડોદરાવાસીઓને વચન આપ્યું છે કે, આવનાર વરસાદ પહેલા વિશ્વામિત્રીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. મેં આજે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું છે, હું મનપાની ટીમને અભિનંદન આપું છું. પાલિકા દ્વારા 45 દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી ચોમાસા પહેલાં પહેલાં નિર્ધારીત 100 દિવસમાં કામગીરી પૂરી કરવામાં આવશે. જે દેશમાં પહેલું શહેર હશે કે, 100 દિવસમાં વિશ્વામિત્રી જેવા પ્રોજેક્ટનું કામ પૂરું કરશે.

સિંચાઇ વિભાગ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરવા પાત્ર 25 કિલોમીટરની કામગીરી ધીમી ચાલી રહી છે. તે બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સિંચાઇ વિભાગના અધિકારીઓને પણ આજે મીટીંગમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેઓને પણ સૂચના આપવામાં આવશે કે, કામમાં ઝડપ કરે. પાલિકાને આ કામ માટે મોરલ સપોર્ટની જરૂર છે લોકો સહયોગ કરે.
જોકે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાબતે કરેલા નિવેદન અંગે વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે ખુલ્લા પત્ર દ્વારા જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રીએ 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવાની પાલિકાની સિદ્ધિ ગણાવી હતી અને વિશ્વામિત્રી નદીમાં આવનાર સંભવિત પૂરથી રાહત થશે એવો વડોદરાની પ્રજાને વિશ્વાસ અપાવ્યો છે પરંતુ, નવલાવાલા કમિટી દ્વારા જે રિપોર્ટ આપ્યો છે તેમાં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થયા બાદ 40 ટકા રાહત થવાની વાત કરી છે. આ કામગીરી માત્ર પાલિકાનુ ચૂંટણી વર્ષ હોવાથી કરવામા આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
વિપક્ષી નેતાએ ગૃહમંત્રીને સંબોધન કરતાં લખેલા ખુલ્લા પત્રમા એમ પણ જણાવ્યું છે કે, વડોદરા અને રાજ્યમાં 30 વર્ષથી તેમજ કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપા સત્તામાં છે તો પછી 100 દિવસમાં વિશ્વામિત્રી નદીમાં કામગીરી કરવામાં કેમ ન આવી? હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે. તેનાથી પૂરનું જોખમ ઘટશે તેમ માની લેવાની જરૂર નથી. વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે માટે રૂપિયા 1200 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તો પછી શા માટે 200 તરાપા બનાવડાવવામા આવ્યા છે?

તેઓએ વધુમાં જણાવ્યું કે, શા માટે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર ખાતે રેતી -કપચી ભરેલી 10 હજાર બેગો તૈયાર રાખવામાં આવનાર છે? 200 તરવૈયાઓની ત્રણ માસ માટે ભરતી કેમ કરવામાં આવવાની છે? એવા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભુખી નદી (જે વિશ્વામિત્રી નદીની ઉપનદી છે) ના રીરુટ, ડાયવર્ટનું કામ રોકવા અને તેના મૂળ પ્રવાહને પુનઃજીવિત કરવા NGTના આદેશો મુજબ તેના દબાણોને દૂર કરવાની પણ માંગ કરી છે. રિસેક્શનિંગ, ડ્રેજિંગ અને ડિસિલ્ટિંગનું કામ ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને આંખ ધોવાનું સાબિત થશે.
પૂર્વ વિપક્ષી નેતાએ પત્રમા જણાવ્યું છે કે, પૂર નિવારણ માટે રૂપિયા 1200 કરોડ VMC બજેટ 2025-26માં કે રાજ્યના બજેટ 2025-26માં આપવામાં આવ્યા નથી. ભૂતકાળમાં પણ સરકારે સૌથી લાંબા ફ્લાયઓવર અટલ બ્રિજ માટે 230 કરોડની જાહેરાત કરી હતી પરંતુ, તેણે માત્ર 76 કરોડ આપ્યા હતા અને બાકીનો ખર્ચ VMC દ્વારા ઉઠાવવો પડ્યો હતો. હજુ પણ VMCને 1200 કરોડના ફંડની જાહેરાત અંગે કોઈ પત્ર મળ્યો નથી.
કાલાઘોડા બ્રિજ જેવા બોટલ નેક છે, જે હજુ નવા ક્રોસ સેક્શન મુજબ પાણી વહેવા દેશે નહીં? તો પછી આ રિસેક્શનથી કેટલો ફાયદો થશે? વડોદરાના લોકોને મૂર્ખ બનાવવા માટે નદી કિનારેથી ઝાડીઓ અને કચરો સાફ કરવાની નેમ સેક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કોઈ હેતુને પૂર્ણ કરશે નહીં. તેમ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે લખેલા ખુલ્લા પત્રમાં જણાવ્યું છે.