ગુજરાત સુપર લીગ સિઝન-2 મે મહિનામાં:
6 ટીમો વચ્ચે 13 દિવસ ચાલશે ટુર્નામેન્ટ,
18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને ફ્રી એન્ટ્રી

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 1થી 13 મે, 2025 દરમિયાન અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાશે. GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ આજે એક કાર્યક્રમમાં GSL સિઝન-2માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું. આ પ્રસંગે તેમણે GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.
ટુર્નામેન્ટમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઇકર્સ અને વડોદરા વોરિયર્સ ટીમો ભાગ લેશે. આ વખતે I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમી ચૂકેલા રાજ્ય બહારના ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે.
GSFAના માનદ સચિવ મૂળરાજસિંહ ચૂડાસમાએ લીગના વિસ્તરણ અને વિકાસ માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટૂરિઝમ પણ આ આયોજનને સમર્થન આપી રહ્યા છે. યુવા વર્ગને આકર્ષવા માટે GSFAએ 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 1 મે, 2025ના રોજ સાંજે 7 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાશે.