શંખેશ્વરમાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત:
રામદેવપીર મંદિર પાસે બે બાઈક ચાલકના મોત, એક મહિલા ઈજાગ્રસ્ત

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે રામદેવપીર મંદિર નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. એક મહિલા ગંભીર રીતે ઘવાયા છે. શંખેશ્વરના પાડીવાડા ગામના જગદીશભાઈ કાંતિજી ઠાકોર તેમના પત્ની અને બાળક સાથે બાઈક પર પંચાસર ગામે જઈ રહ્યા હતા. રામદેવપીર મંદિર પાસે સામેથી આવી રહેલા બાઈક સાથે તેમનું વાહન ટકરાયું હતું.
અકસ્માતમાં જગદીશભાઈ ઠાકોર અને સામેના બાઈકના ચાલક પચાણભાઈ કનુભાઈ જાદવ (રહે. શંખેશ્વર)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જગદીશભાઈના પત્ની કેસરબેન ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે વ્યક્તિના મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.