બેંકની કિટો દુબઈ મોકલવાના રેકેટમાં અનિલ ખેની પકડાયો
ભારતીય બેંકોમાંથી પૈસા વિડ્રો કરી દુબઈમાં મિલન દરજીને પહોંચાડતો,
7 મહિના પહેલાં આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો હતો

સુરત
સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે. ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન હનીટ્રેપ અને સેક્સટોર્શન જેવા એક મોટા નેટવર્કમાં મધ્યભાગે કામ કરતા સાગરીત અનિલ નાનુભાઈ ખેનીની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. અનિલ ખેની જેની ઉંમર 35 વર્ષ છે અને ઉત્રાણના સિલ્વર લકઝરીયા વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગરના ગારિયાધર તાલુકાના પરવડી ગામનો વતની છે.
સાયબર પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો. દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફે મારુતિના આદેશ પર અનિલ ખેની પીઓએસ મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિથડ્રૉ કરતો અને ત્યારબાદ આ નાણાં દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો હતો. દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી વિશ્વભરમાં લોકોને સાઇબર છેતરપિંડીમાં ફસાવતી હતી, અને તેમાંથી ઉઘરાવેલા નાણાં ભારતીય એકાઉન્ટમાં જમા થતા અને પછી દુબઈ મોકલાતા.
7 મહિના પહેલાં સુરત સાયબર સેલે મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલી સ્વાધ્યાય કોમ્પ્લેક્ષની ઓફિસોમાં દરોડા પાડીને આ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે સુરતના મિલન દરજી અને વિવેક મારુતિ જ આ સમગ્ર રેકેટના કર્તાહર્તા છે. દુબઈમાં બેઠેલા આ શખસો ભારતીય નાગરિકોને નોકરીની લાલચ આપી ડિજિટલ ફ્રોડ માટે વાપરતા હતા. આ નેટવર્કને ભારતીય બેંક એકાઉન્ટની જરૂર પડતી હોવાથી સુરતના અજય ઇટાલિયા, હિરેન બાબરીયા, વિશાલ ઠુમ્મર અને જલ્પેશ નડિયાદરા, કેતન વેકરિયા જેવા એજન્ટોની મદદ લેવાતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સુરત, નવસારી અને ભાવનગરમાં કાર્ટેલ રચી લોકો પાસેથી 10થી 15 હજાર રૂપિયાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટો મેળવી લેવાતા હતા. મિલન દરજીના સંચાલન હેઠળ ચાલતા એજન્ટો વચ્ચે આ કમિશનના વહેવાર થઇ જતા અને પછી એકાઉન્ટ દુબઈ ગેંગના હવાલે થઇ જતા.
અત્યાર સુધીમાં આ સમગ્ર કેસમાં સાયબર સેલે કુલ 10 શખસની ધરપકડ કરી છે, જેમાં 9 યુવકો તામિલનાડુના છે. અનિલ ખેનીની ધરપકડ પછી પોલીસે આશા વ્યક્ત કરી છે કે હવે મળેલી માહિતી પરથી દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મિલન દરજી સહિત અન્ય વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળશે.
પોલીસ તપાસમાં મળેલી માહિતી મુજબ અનિલ ખેનીએ બેંક કિટો કમિશન આધારિત ડીલથી મેળવેલી અને તે કિટો દુબઈ મોકલી હતી, જ્યાંથી પીઓએસ મશીન દ્વારા ડિજિટલ ચોરીના નાણાં ઉપાડવામાં આવતાં. ગુનાના ગંભીર પ્રકૃતિને ધ્યાનમાં રાખીને હવે વધુ રાજ્યોમાં પણ તપાસને વિસ્તરવામાં આવશે.