જૂનાગઢમાં બોગસ ધિરાણ કૌભાંડ : 400થી વધુ ખેડૂતે ગોપાલ ઈટાલીયા સાથે બેંક ખાતે ઘેરાવ કર્યો

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ભેસાણ તાલુકાના ખેડૂતોના નામે બોગસ ધિરાણ લેવાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં 400થી વધુ ખેડૂતોએ જિલ્લા સહકારી બેંક ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
ભેસાણ તાલુકાના છોડવડી, જૂની ધારી અને વાંદરવડ જેવા ગામોની સહકારી મંડળીઓએ ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ મેળવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓએ કોઈ લોન લીધી નથી. છતાં બેંક દ્વારા તેમને બાકી રકમ ભરપાઈ કરવાની નોટિસો મોકલવામાં આવી રહી છે.
ગોપાલ ઇટાલિયાએ આરોપ મૂક્યો છે કે સહકારી મંડળીઓના મંત્રીઓ અને પ્રમુખોએ બેંકના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું છે.
જિલ્લા સહકારી બેંકના CEO કલ્પેશ રૂપાપરે સ્પષ્ટતા આપી છે કે બોગસ ધિરાણના કેસોની તપાસ થઈ છે. ખોટા દસ્તાવેજો રજૂ કરનાર મંડળીઓના પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેંકના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડૂતોએ તેમના નામે કરાયેલી બોગસ લોન રદ કરવા અને દોષિતોને સજા કરવાની માગણી કરી છે.