હવે પુસ્તકોની પણ આપલે થશે:
ડાક વિભાગે શરૂ કર્યું “જ્ઞાન પોસ્ટ”
જ્ઞાન પ્રસાર માટે નવું ડાક ઉત્પાદન,
જાણો કઈ રીતે પોસ્ટ કરવું અને કેટલો ચાર્જ
વડોદરા
ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળના ડાક વિભાગે 1 મે, 2025થી “જ્ઞાન પોસ્ટ” નામનું નવીન ડાક ઉત્પાદન શરૂ કર્યું છે. આ પહેલ દેશભરમાં જ્ઞાન-આધારિત સામગ્રીના સસ્તા અને સરળ પરિવહનને પ્રોત્સાહન આપે છે. આ ઉત્પાદન શિક્ષણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સામાજિક જોડાણને વેગ આપવા માટે રચાયું છે.જ્ઞાન પોસ્ટ ભારત પોસ્ટના વિશાળ નેટવર્કનો લાભ લઈ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રકાશકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને સસ્તા શૈક્ષણિક સંસાધનો પૂરા પાડે છે. આ સેવા ભારતની સાંસ્કૃતિક-ધાર્મિક વિરાસતને મજબૂત કરે છે અને દૂરના વિસ્તારોમાં પણ વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરે છે. જાહેર જનતાને આ સેવાનો લાભ લેવા નજીકના ડાકઘરનો સંપર્ક કરવા આગ્રહ કરાય છે. વધુ માહિતી માટે, ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ www.indiapost.gov.inની મુલાકાત લઈ માહિતી મેળવી શકો છો.
જ્ઞાન પોસ્ટની વિશેષતાઓ
સામગ્રી: માન્ય શૈક્ષણિક બોર્ડો અને યુનિવર્સિટીઓના પુસ્તકો, અભ્યાસ સામગ્રી, તેમજ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વનું સાહિત્ય
ડાક શુલ્ક: 300 ગ્રામ સુધી ₹20થી શરૂ થઈ, 4001-5000 ગ્રામ માટે ₹100 સુધી
વજન અને પરિમાણ: 300 ગ્રામથી 5 કિલોગ્રામ, નોન-રોલ ફોર્મમાં મહત્તમ 600x300x300 મીમી
સેવા ઉપલબ્ધતા: તમામ વિભાગીય ડાકઘરોમાં ઓનલાઇન ટ્રેક-એન્ડ-ટ્રેસ, પ્રમાણભૂત રસીદ અને ડિલિવરીના પુરાવા સાથે
વધારાની સુવિધાઓ: સામગ્રી પાછી ખેંચવી, રિકોલ, સરનામું બદલવું, રજિસ્ટ્રેશન, વીમો અને ડિલિવરીનો પુરાવો (લાગુ ફી સાથે)