
સુરત
23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાની ચકચારી ઘટના સુરત સહિત ગુજરાતમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. પુણા પોલીસે પાંચ દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી તપાસ હાથ ધરી હતી, જેમાં શિક્ષિકાના મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે તેને પાંચ મહિનાની પ્રેગ્નન્સી ધરાવે છે. શિક્ષિકા આ બાળકનો પિતા કિશોર વિદ્યાર્થી હોવાનું કહી રહી છે, જોકે પોલીસ આ અંગે ડીએનએ ટેસ્ટ કરાવશે. હાલ શિક્ષિકાના રિમાન્ડ પૂર્ણ થતાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષિકા ગર્ભવતી હોવાથી અજાણ હોવાનું જણાવી રહી છે. લગ્ન વિના જ શિક્ષિકા ગર્ભવતી બની છે, જેથી હવે આ ગર્ભને રાખવો કે નહીં એને લઈને અસમંજસ સર્જાઈ છે. શિક્ષિકાના કાઉન્સેલિંગ બાદ નિર્ણય લેવાય એવી શક્યતા છે. આ પ્રકારની સભ્યસમાજ માટે પડકારરૂપ ઘટનાને કેવી રીતે રોકી શકાય અને નાની વયથી સ્ત્રી-પુરુષ જાતીય આવેગમાં આવે તો શું કરવું હિતાવહ છે? જાણો મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ શું કહે છે…
ઘટનાને ગંભીર ગણાવતાં સેક્સોલોજિસ્ટ અને મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસીએ કહ્યું હતું કે 13 વર્ષની ઉંમરમાં જાતીય આવેગ આવવો હવે સામાન્ય થઈ ગયું છે. કાયદાકીય રીતે આ ક્રિયાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. ત્યારે આ જે ભેદ છે એની વચ્ચે વિચારવાનો સમય આવી ગયો છે. કુદરતી જાતીય આવેગને ચેનલાઈઝ કરવાની જરૂર છે. આ જેટલો મુદ્દો કાયદાનો છે એનાથી કદાચ વધુ સામાજિક રીતે જાગૃતિનો વધુ હોવાનું લાગી રહ્યું છે.
પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના 13 વર્ષીય પુત્રને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા 25 એપ્રિલના રોજ લઈને ભાગી ગઈ હતી. શરૂઆતમાં પારિવારિક કારણોસર શિક્ષિકા તેને લઇ ગઇ હોવાની વાતો ચાલી રહી હતી. પોલીસ પણ અલગ-અલગ ટીમો બનાવી બસ સ્ટેશન-રેલવે સ્ટેશન સહિતની જગ્યાએ પર શોધી રહી હતી. આ વચ્ચે 30 એપ્રિલે જ્યારે શિક્ષિકા સગીર સાથે જયપુરથી પરત ફરતી હતી ત્યારે ચાલુ બસમાં પોલીસે શામળાજી બોર્ડર પાસેથી પકડી પાડી ત્યારે એક નવું જ ચિત્ર સામે આવ્યું હતું, જેમાં છેલ્લાં એક વર્ષથી આ શિક્ષિકા અને સગીર વચ્ચે પ્રેમસંબંધ હતો અને અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. પોલીસે જ્યારે આ શિક્ષિકાની મેડિકલ તપાસ કરાવી તો નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાંનો, એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
23 વર્ષીય શિક્ષિકા પોતે ગર્ભવતી હોવાથી અજાણ હોવાનું પોલીસને જણાવ્યું હતું, સાથે આ ગર્ભમાં રહેલું બાળક 13 વર્ષય વિદ્યાર્થીનું હોવાનું જણાવ્યું હતું. સગીર વિદ્યાર્થીના યૌનશોષણનો મામલો હોવાની સાથે અપહરણ ઉપરાંત પોક્સોની કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે આ શિક્ષિકાને એક દિવસના પોલીસ રિમાન્ડ પણ આપ્યા હતા. ગતરોજ (2 મે, 2025) રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા શિક્ષિકાને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં શિક્ષિકાના ગર્ભમાં રહેલા બાળકને લઈને મૂંઝવણ સર્જાઈ છે. શિક્ષિકા ગર્ભમાં રહેલા બાળકને વિદ્યાર્થીનું કહી રહી છે, જોકે પોલીસ આ મામલે ડીએનએ ટેસ્ટ કરાવશે. આ દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષિકા બંનેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ગર્ભમાં રહેલા બાળકને રાખવું કે નહીં એ અંગે હજુ અસમંજસ છે, જોકે આ મામલે કાઉન્સેલિંગ થયા બાદ જ નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. સામાન્ય રીતે 22 અઠવાડિયાંના ગર્ભનો ગર્ભપાત કરવામાં જો કોઈ પ્રોબ્લેમ ન હોય તો થઈ શકે છે, જેથી આ શિક્ષિકાને ગર્ભપાતનો નિર્ણય કરવા માટે તેની પાસે 10 દિવસનો સમય છે. જો ત્યાર બાદ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવશે તો કોર્ટની મંજૂરી લેવી પડે એવી શક્યતા છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર કેસમાં શિક્ષિકા ખુદ કહી રહી છે કે આ બાળકનો પિતા વિદ્યાર્થી છે, જોકે આ મામલે પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવવા ઈચ્છતી હોય તો હાલમાં આધુનિક સુવિધાના પગલે ગર્ભમાં રહેલા બાળકની આસપાસ રહેલા પાણીનું સેમ્પલ અને વિદ્યાર્થીનું સેમ્પલ લઈને ડીએનએ ટેસ્ટ કરી શકાય છે. પોલીસ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તોપણ તેનો રિપોર્ટ બે કે ત્રણ મહિના બાદ આવે એવી શક્યતા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસ યુવતી પર બળાત્કારનો નહિ, પરંતુ યુવતી દ્વારા તરુણ સાથે યૌનશોષણનો હોવાથી કેસ આખો ઊલટો છે. ભોગ બનનારી યુવતી જો સગીર હોય તો પોલીસ અથવા તો તેના વાલીઓ ગર્ભપાત માટે અરજી કરતા હોય છે, પરંતુ અહીં યુવતી પુખ્ત હોવાની સાથે તે પોતે આરોપી પણ છે. આ કેસમાં બાળકને જન્મ આપવો કે પછી ગર્ભપાત કરવો એનો નિર્ણય પણ આ યુવતીએ જ કરવાનો રહેશે. ગર્ભપાત કરાય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જન્મ આપવાનું થાય એ સંજોગોમાં યુવતીને અનેક સામાજિક પ્રશ્નોનો સામનો કરવાનો રહેશે. બાળકના ભરણ-પોષણથી લઈ તેના અભ્યાસ અને તેની પાછળ પિતાનું નામ લગાવવું કે નહિ એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે. હાલ આ યુવતીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ છે. બાળકનું શું કરવું એને લઈને યુવતીએ જ વકીલ મારફત કોર્ટમાં અરજી કરવાની રહેશે.